Wednesday, August 14, 2013

Sardar patel Ane Bhartiya Sangh Vilinikaran


- સાધના
ઑપરેશન પોલો
હૈદરાબાદી હિન્દુઓને નિઝામના સાંપ્રદાયિક સકંજામાંથી છોડાવી, રાજ્યને ભારતીય સંઘમાં ભેળવવા માટે ચલાવવામાં આવેલું ભારતીય સૈન્યનું અભૂતપૂર્વ મિલિટરી અભિયાન
<image001.jpg>સરદાર વલ્લભભાઈ પટેલના સ્વતંત્ર ભારતના ગૃહમંત્રી બનતાં તેઓએ સૌપ્રથમ કામ પોતાના મંત્રાલયમાં 'સ્ટેટ્સ ડિપાર્ટમેન્ટ'ના ગઠનનું કર્યંુ; જેનો ઉદ્દેશ્ય દેશનાં 564 દેશી રજવાડાંઓના એકીકરણનો હતો. સ્વતંત્ર ભારતના મહત્ત્વપૂર્ણ દેશી રજવાડાંઓમાંથી હૈદરાબાદ, જમ્મુ - કાશ્મીર, ભોપાલ અને ત્રાવણકોર આ ચાર રજવાડાંઓએ ભારતમાં વિલિનીકરણ માટે અનિચ્છા વ્યક્ત કરી હતી. આમાંથી એકમાત્ર હૈદરાબાદ વિરુદ્ધ જ ભારત સરકારને સૈન્યપ્રયોગ કરવાની જરૂર પડી હતી.
એ સમયે હૈદરાબાદ રાજ્ય એ ભારતના સૌથી સમૃદ્ધ અને વિકસિત રાજ્યોમાંનું એક રાજ્ય ગણાતું હતું, તેથી સ્વાભાવિક રીતે જ તેને પોતાનામાં સમાવી લેવા ભારત અને પાકિસ્તાનને વિશેષ રસ હોય. 1948માં હૈદરાબાદનો સાતમો નિઝામ મિર ઓસ્માનઅલીખાં ભારતના સૌથી ધનવાન રાજવીઓમાંના એક હતા, 82,698 સ્ક્વેર માઈલના વિસ્તારમાં હૈદરાબાદ રિયાસત ફેલાયેલી હતી. 16.34 લાખની વસ્તી (1941ના આંકડા પ્રમાણે)માં 85% હિન્દુઓ, 12 ટકા મુસ્લિમો, અન્ય 3 ટકા હતા. આ ઉપરાંત હૈદરાબાદને પોતાની અરલાઈન્સ સેવા, ટેલિકામ્યુનિકેશન સિસ્ટમ, રેલવે નેટવર્ક, પોસ્ટલ સેવા, ચલણી નાણું અને બ્રોડકાસ્ટિંગ સિસ્ટમ પણ હતી. જોકે હૈદરાબાદ પર એક મુસ્લિમ રાજવી રાજ કરતો હોવાથી અહીંના હિન્દુ સમુદાય વિરુદ્ધ સાંપ્રદાયિક ભેદભાવનો લાંબો ઇતિહાસ રહ્યો છે. જે તે વખતના વિવિધ ક્ષેત્રમાં હિન્દુ સમુદાયની ભાગીદારીના આંકડા જ સ્પષ્ટ કરે છે. 1268ના સૈન્યમાં 421 જેટલા મુસ્લિમોની સામે માત્ર 121 હિન્દુઓ જ હતા. રાજ્યના મહત્ત્વના હોદ્દાઓ 59 મુસ્લિમોની સામે માત્ર પાંચ જ હિન્દુઓ હતા, જ્યારે 38 અન્ય ધર્મી હતા. રાજ્યની 40 ટકા જમીન પર નિઝામ અને 12 ટકા પર મુસ્લિમોનો કબજો હતો.
નિઝામના આ સાંપ્રદાયિક ભેદભાવ અને ગેરવહીવટને કારણે હૈદરાબાદના હિન્દુ જનમાનસમાં નિઝામ પ્રત્યે છૂપો વિદ્રોહ તો અગાઉથી જ ધધકતો હતો, પરંતુ 1947ના ભાગલા અને 1947-48 ભારતની આઝાદી અને દેશી રાજ્યોના ભારતમાં વિલીનીકરણ દરમિયાન ક્યાંક ક્યાંક જાહેરમાં પણ દેખાવા માંડ્યો હતો. નિઝામને પણ આનો અંદેશો આવી જતાં ખૂબ જ ચાલાકીપૂર્વક તેણે હૈદરાબાદના કટ્ટરવાદી સંગઠન મજલિસ - એ - ઈત્તેહદહલ મુસલમિના (એમ. આઈ. એમ.)ના કાસિમ રિઝવી સાથે સમજૂતી કરી તેના 2,00,000 (બે લાખ) જેટલા સ્વૈચ્છિક રજાકારોને માન્યતા આપી દઈ હિન્દુ જનતા પર ભૂખ્યા વરૂઓની માફક છોડી દીધા. સામે અહીંની હિન્દુ જનતા પણ પારાવાર અત્યાચારોની વચ્ચે હૈદરાબાદના ભારતમાં વિલીનીકરણનું જોરદાર સમર્થન કરતી રહી.
હૈદરાબાદમાં નિઝામ સમર્થિત રઝાકારોના ગેરમુસ્લિમો પર અત્યાચારો સતત વધી રહ્યા હતા. પરિણામે તે વખતના ભારતના તત્કાલીન ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલ, નિઝામ જો વાતચીત અને શાંતિથી ભારત સાથે સમજૂતી કરવા તૈયાર ન થાય તો કઈ હદે કડક પગલાં લેવાં તે અંગે ચિંતન કરી રહ્યા હતા. ભારત સરકાર હૈદરાબાદ વિરુદ્ધ કડક પગલાં લેવાનું મન બનાવી રહી છે, તેના સમાચાર મળતાં જ હૈદરાબાદના નિઝામે હૈદરાબાદના ભારત સાથેના તમામ આર્થિક વ્યવહારો સ્થગિત કરી દીધા અને રાજ્યમાં ભારતના ચલણને ગેરકાનૂની ઘોષિત કરી દીધું. એટલું જ નહિ તેણે ભારતની વિરુદ્ધ પાકિસ્તાનને 20 કરોડ રૂપિયાની સહાય પણ કરી. આમ છતાં પણ ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલ હજુ પણ સમસ્યાનું સમાધાન શાંતિથી નીકળે તેવી ઇચ્છાથી તેઓએ 16 એપ્રિલ, 1948ના રોજ નિઝામના સલાહકાર લાયક અલીને ચર્ચા કરવા બોલાવ્યા. પાકિસ્તાન અને અરબ દેશોના પીઠબળ અને બે લાખ જેટલા રઝાકારોના સમર્થનને કારણે તેઓનો આત્મવિશ્ર્વાસ અભિમાન બની છલકતો હતો. વાતચીત દરમિયાન તેઓએ પોતાના તેવર અને હૈદરાબાદ રિયાસતના ઇરાદાઓ સ્પષ્ટ કરતાં ધમકીભર્યા અંદાજમાં ચેતવણી ઉચ્ચારી કે ભારતીય ફોજ જો હૈદરાબાદમાં દાખલ થવાની ગુસ્તાખી કરશે તો, તેઓના હાથમાં ત્યાં વસતા હિન્દુઓનાં હાડકાં અને રાખ સિવાય કશું જ નહીં આવે. હવે સરદાર પટેલને પણ તેમનો મિજાજ બતાવવા મજબૂર થવું પડ્યું. બરાબર એ જ અંદાજમાં તેઓએ લાયક અલીને કહ્યું, તમે જાણો છો પરિસ્થિતિ કોની તરફેણમાં છે અને જો ત્યાંના હિન્દુઓને કાંઈ પણ થયું તો નિઝામ અને તેના ખાનદાનનું ભવિષ્ય શું હશે એ પણ તમે જાણો છો.
સરદાર પટેલનું વલણ જોઈ અત્યાર સુધી અતિ આત્મવિશ્ર્વાસમાં રાચતા લાયક અલીના તેવર ઢીલા પડ્યા અને ધમકીઓના બદલે તેઓએ તત્કાલીન વડાપ્રધાન પંડિત નહેરુ પર હૈદરાબાદ વિવાદને પણ સંયુક્ત રાષ્ટ્રસંઘમાં લઈ જવા દબાણ કરવાની નીતિ અપ્નાવી. નહેરુ પણ આ વિવાદ સંયુક્ત રાષ્ટ્રસંઘમાં લઈ જવા માંગતા હતા, પરંતુ સરદારે હૈદરાબાદ પર આક્રમણ કરી ભારતમાં તેને ભેળવી લેવાનું મન બનાવી લીધું હતું. નહેરુને જ્યારે સરદારની આ રણનીતિની ખબર પડી ત્યારે તેઓએ સરદારને ચેતવણી આપી કે જો આમ થશે તો હૈદરાબાદનાં વિમાનો બામ્બે, મદ્રાસ, કલકત્તા અને દિલ્હી જેવાં શહેરો પર બામ્બ ઝીંકશે, બંને બાજુમાં મુસ્લિમોમાં ભારે રોષ ફાટી નીકળશે અને પાકિસ્તાન પણ આ કાર્યવાહી વિરુદ્ધ ભારત સામે યુદ્ધમાં ઝંપલાવશે, પરિણામે બંને બાજુ ભારે ખાનાખરાબી સર્જાશે. માટે આ વિવાદને સંયુક્ત રાષ્ટ્રસંઘમાં લઈ જવો જ શ્રેષ્ઠ વિકલ્પ છે.
નિઝામ અને લાયક અલીની આડોડાઈ અને નહેરુની કાયરતા અને મૂર્ખામીથી સરદાર વલ્લભભાઈ પટેલને સ્પષ્ટપણે લાગી રહ્યું હતું, કે જો વેળાસર હૈદરાબાદ મુદ્દે કોઈ નિર્ણાયક પગલાં લેવામાં નહીં આવે તો હૈદરાબાદથી હાથ ધોવાનો વારો આવશે અને તેથી પણ વધુ ત્યાંની 85% હિન્દુ જનતાનું જીવવું નરક બની જશે. હવે સરદાર પટેલ સમક્ષ અંતિમ એક જ વિકલ્પ બચ્યો હતો. હૈદરાબાદ વિરુદ્ધ સૈન્ય કાર્યવાહી. 9 ડિસેમ્બરે સરદાર પટેલે નહેરુ ગાંધીની અનિચ્છા છતાં તમામ બાબતો પર સાવધાનીપૂર્વક સમીક્ષા કરી ભારતીય સૈન્યને હૈદરાબાદ તરફ કૂચ કરવાના આદેશ આપ્યા. નહેરુ - ગાંધીની નારાજગી વધી. સરદારે કહ્યું, સૈન્ય નીકળી ગયું છે. હવે કાંઈ જ નહીં થાય.
ભારતીય સૈન્યનું નેતૃત્વ જનરલ જે. એન. ચૌધરી કરી રહ્યા હતા. ભારતીય સેના મુખ્યાલય દ્વારા આ ઑપરેશનનું નામ ઑપરેશન 'પોલો' (તે સમયે હૈદરાબાદ રાજ્યને પોલો રમતની રાજધાની કહેવાતું. અહીં પોલો ગેમ્સના 17 જેટલાં મેદાનો હતાં.) રાખવામાં આવ્યું.
<image002.jpg>ભારતીય સૈન્ય 13 સપ્ટેમ્બરના રોજ હૈદરાબાદના નાલદુર્ગ (સોલાપુર)ના રસ્તેથી હૈદરાબાદમાં પ્રવેશ્યું, જ્યાં શરૂઆતમાં રઝાકારો અને નિઝામના સૈન્ય તરફથી પડકાર મળ્યો, ત્યારબાદ 14 સપ્ટેમ્બરે પણ ભારતીય ફૌજને દુશ્મનોનો ઠીક-ઠીક પડકાર મળ્યો, પરંતુ બીજા દિવસના અંત સુધીમાં દુશ્મનોના ટાંટિયા અને ઇરાદા બંને ઢીલા પડવા લાગ્યા હતા. ભારતીય સૈન્યને ખૂબ જ ઓછું નુકસાન થઈ રહ્યું હતું, જ્યારે સામા પક્ષે દુશ્મનો(રઝાકારો)ના અવ્યવસ્થિત અભિયાન અને અનુશાસનની ખામીના કારણે ભારે નુકસાન થઈ રહ્યું હતું. પરિણામે 17 સપ્ટેમ્બર, 1948 રોજ હૈદરાબાદના સૈન્યે પોતાનાં હથિયાર હેઠાં મૂકી દઈ શરણાગતી સ્વીકારી, પરંતુ ત્યાં સુધીમાં ભારતીય સેનાએ 800થી વધુ રઝાકારોને ઢાળી દીધા હતા. બાકી બચેલા સામાન્ય મુસ્લિમોમાં ભળી ગયા હતા તો કેટલાક પાકિસ્તાન ભાગી ગયા હતા. હૈદરાબાદના સૈન્યના આત્મસમર્પણ બાદ લાયક અલી અને નિઝામે પણ હાર સ્વીકારી લીધી. લાયક અલીએ નિઝામને પોતાનું રાજીનામું સોંપ્યું અને નિઝામે રઝાકારો પર પ્રતિબંધ લગાવવાની જાહેરાત કરી.
18 સપ્ટેમ્બર, 1948ના રોજ ભારતીય સૈન્યે ઑપરેશન 'પોલો' સફળતાપૂર્વક પૂરું થયાની જાહેરાત કરી. આમ આ ઑપરેશન મુશ્કિલથી 108 કલાક ચાલ્યું હતું. આટલા ટૂંકા ગાળામાં હૈદરાબાદનું સૈન્ય અને પાકિસ્તાન અને આરબ દેશોના જોરે કૂદતા રઝાકારો ભારતના શરણે આવી જશે એની કલ્પ્ના પણ કોઈએ નહોતી કરી, પરંતુ લોખંડી પુરુષ સરદાર પટેલ અને  ભારતના વીર જવાનોએ એ કરી બતાવ્યું હતું.
મજાની વાત એ છે કે, જે સાંપ્રદાયિક રમખાણો ફાટી નીકળવાના ભયે અને પાકિસ્તાન ભારત સામે યુદ્ધે ચડશેનો ભય બતાવી પંડિતજી સરદારને કોઈ પણ ભોગે ઑપરેશન પોલો રોકી દેવાની જીદ કરતા હતા, પરંતુ આ દરમિયાન ભારતમાં એક પણ જગ્યાએ ન તો સાંપ્રદાયિક છમકલું થયું કે ન તો પાકિસ્તાન તરફથી ભારત વિરુદ્ધ કોઈ હલચલ થઈ.
- ટીમ સાધના
 No comments: