Wednesday, February 14, 2018

Dr pt

Tuesday, February 6, 2018

Thursday, February 1, 2018

Ravidas

સંત રવિદાસ જન્મ જયંતી
—�—�—�—
સંત રવિદાસના જીવનનો એક જ મંત્ર રહ્યો હતો:
'હરિ કો ભજે સો હરિ કા હોય, જાત પાત પૂછે નહીં કોય.'

• પાટડી (જિ. સુરેન્દ્રનગર) માં રા. સ્વ. સંઘ-સમરસતા વિભાગ દ્વારા સંતશ્રી રવિદાસજી જયંતિ ઉજવણી કાર્યક્રમ કાળવાપટીદાર હોલમાં યોજાયો હતાે. ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત સ્વયંસેવકો, ભાઇઓ-બહેનોએ તેમજ જિલ્લા કાર્યવાહ રઘુભાઇ, કિશોર મકવાણાએ ઉપસ્થિત રહી રવિદાસજીને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
કિશોર મકવાણાએ આ પ્રસંગે પોતાના એક કલાકના પ્રવચનમાં સંત રવિદાસના મહાન જીવનના અનેક પ્રસંગો વર્ણવ્યા હતા. કિશોર મકવાણાએ જણાવ્યું:
'૧૪થી ૧૬મી સદીનો સમયગાળો. આ ત્રણસો વર્ષનો સમય હિન્દુસ્થાન માટે નિરાશા અને ઘોર સંકટોથી ભરેલો હતો. આપસમાં ફાટફૂટ, આભડછેટ, ઊંચનીચના ભેદભાવ જેવા અનેક દૂષણોથી સમાજ ખદબદતો હતો. બીજી તરફ વિદેશી આક્રમકો ધર્મ, સંસ્કૃતિ અને સમાજને નષ્ટ-ભ્રષ્ટ કરવો તેને ધાર્મિક જેહાદ સમજતા હતા. આક્રમકોના આતંક અને અત્યાચારથી પ્રજા ત્રાહિમામ્ પોકારી ઊઠી હતી. આવા ઘોર અંધકારના વાતાવરણમાં સંતોએ પ્રભુભક્તિનો મંત્ર ગૂંજતો કરી, સમાજમાં નવચેતનાનો સંચાર કર્યો. તુલસીદાસ, સુરદાસ, ચૈતન્ય મહાપ્રભુ, રામાનંદ, રામાનુજાચાર્ય, કબીર જેવા અગણિત સંતોએ ભક્તિના માધ્યમથી દેશને એક તાંતણે ગૂંથવાનો પ્રયાસ કર્યો. આ સંતોની હારમાળાના મણકામાં એક હતા - રવિદાસ જેમને ઘણા રૈદાસ કે રોહિદાસના નામે પણ ઓળખે છે. ગુરુ સ્વામી રામાનંદની આજ્ઞાથી તેમણે સમાજમાં સમતા, મમતા અને શ્રદ્ધાભાવનું વાતાવરણ પેદા કરવા ' 'રામાય નમ:' મંત્રનો શંખનાદ કર્યો.
સંત રવીદાસના ગુરૂ
રામાનંદજી એ સમયે ક્રાંતિકારી સમાજસુધારક ગણાતા. એમણે સમગ્ર દેશનું ભ્રમણ કરી, યુગની માગ મુજબ પોતાના વિચારો લોકો વચ્ચે મૂક્યા. ઊંચનીચ, આભડછેટ જેવી વિકૃતિઓ સામે અવાજ ઉઠાવ્યો. રામાનંદ આખા દેશની યાત્રા કરી કાશી પાછા આવ્યા ત્યારે એમને શુદ્ધિ માટે કહેવામાં આવ્યું, પરંતુ રામાનંદે ચોખ્ખી ના પાડી. એ પછી એક નવા સંપ્રદાયની સ્થાપના કરી. એમણે કહ્યું હતું: 'હરિ કો ભજે સો હરિ કા હોય, જાતપાત પૂછે નહીં કોય...'
રામાનંદજીને દેશભ્રમણ પછી લાગ્યું કે અસ્પૃશ્યતા અને ઊંચનીચની દીવાલ તોડવામાં નહીં આવે તો સમાજ ટકી નહીં શકે. સમગ્ર સમાજના રક્ષણ માટે તેમણે ઠેર ઠેર મહંતી અખાડાની સ્થાપના કરી.
તેમણે વિચાર વહેતો કર્યો કે બ્રાહ્મણ હોય કે શુદ્ર, ક્ષત્રિય હોય કે ચમાર, વણિક હોય કે લુહાર - સૌનો રામભક્તિ પર સરખો અધિકાર છે. ભગવાનની શરણમાં આવેલા માણસ માટે જાતિ કે કુળનાં બંધન કેવાં? ભક્તિ કોઇ એક જ્ઞાતિનો અધિકાર નથી. ભક્તિ મંદિરના દ્વાર સૌના માટે ખુલ્લાં છે. રામાનંદજી કેવળ ઉપદેશ આપીને ન અટક્યા. એમણે એને આચરણમાં મૂક્યો. બધી જ જ્ઞાતિના લોકોને ભક્તિમાર્ગની દીક્ષા આપી, પોતાના શિષ્યો બનાવ્યા. સ્વામી રામાનંદજીના ૧૨ મુખ્ય શિષ્યોમાં - અનંતાનંદ, કબીર, સુખાનંદ, સુરસુરાનંદ, પદ્માવતી, નરહર્યાનંદ, પીપા, ભાવાનંદ, રવિદાસ, ધન્ના, સેન અને સુરસુરી. આ બાર શિષ્યોમાં દરેક જ્ઞાતિના હતા એટલું નહીં પદ્માવતી અને સુરસરિ જેવી મહિલા શિષ્યા પણ હતી. એમણે નાત જાત- ઊંચનીચ કે સ્ત્રી જેવા કોઇ ભેદભાવ નહોતી સ્વીકાર્યા.
રામનામનો મંત્ર દેશભરમાં ગુંજતો કરવા રામાનંદજીએ ધન્ના, કબીર, રવિદાસ અને સેનને ઉત્તરભારતમાં, સુરસુરાનંદને પંજાબ, ભાવાનંદને દક્ષિણમાં, નરહર્યાનંદને ઓરિસ્સા તરફ, ગાલવાનંદને કાશ્મીરમાં અને પીપા તથા યોગાનંદને ગુજરાતમાં રહીને કામ કરવાની આજ્ઞા કરી.
રામાનંદના આ એક એકથી ચઢિયાતા ૧૨ શિષ્યોમાં રવિદાસ શાંત, સિદ્ધ અને શ્રેષ્ઠ ગણાતા. ભક્તિ આંદોલનમાં રવિદાસનું નામ આજે પણ ખૂબ આદરપૂર્વક લેવામાં આવે છે.
એ સમયે સમાજનાં દંભી ધર્મના ઠેકેદારોએ રવીદાસનો વિરોધ કર્યો હતો.
રવિદાસની કીર્તિ વધવા લાગી અને એમનો વિરોધ પણ શરૂ થયો. પરંતુ રવીદાસજીએ આવા જાતિવાદીઓને જવાબ આપ્યો હતો:'પ્રભુભક્તિ કોઇ ઊંચ કે નીચ જ્ઞાતિનો ઇજારો નથી. એના પર તો રાજા-રંક, વિદ્વાન-અભણ, નર-નારી સૌનો સમાન અધિકાર છે. મારા ગુરુએ તો મને શીખવાડ્યું છે કે: 'હરિ કો ભજે સો હરિ કા હોય, જાત પાત પૂછે નહીં કોય.' પ્રભુનો દરબાર સૌના માટે ખુલ્લો રહે છે. જન્મથી તો બધા જ શૂદ્ર છે. કર્મથી જ એ ઓળખાય છે.'
રવિદાસજીએ
સ્વતંત્રતાના મૂલ્યની પ્રશંસા કરી, ગુલામીને પાપ કહી. તેમણે કહ્યું: 'પરાધીનતા પાપ હૈ, જાનિ લેહુ રે મીત... રવિદાસ દાસ પરાધીન, સૌ કૌન કરે હૈ પ્રીત...' તેમણે સમતા અને મમતાનો મંત્ર આપતાં કહ્યું કે: 'અધમ જાતિમાં જન્મ લેનાર નીચ નથી, પરંતુ પાખંડી, ઢોંગી અને પોતાના સ્વાર્થ માટે બીજા સાથે છેતરપીંડી કરે છે એ નીચ છે.'
લોકો શ્રદ્ધાપૂર્વક રવિદાસની વાણીનું અમૃતપાન કરતા. તેમના ક્રાંતિકારી વિચારોને, ખાસ કરીને નાતજાત વિરોધી અને સામાજિક સમતા અને એકતાના ઉપદેશો જીવનમાં અપનાવી તેને વહેવારમાં મૂકતા. કેટલાક એવા લોકો પણ હતા જે રવિદાસના ઉપદેશમાંથી શાંતિ અને સંતોષ મેળવવા આતુર રહેતા. કેટલાક લોકો રવિદાસને હલકા ચીતરવા, તેમને અપમાનીત કરવા અનેક જાતના પેંતરા રચતા.
રવિદાસનું જીવન ગંગા સમાન નિર્મળ, પવિત્ર અને સત્યથી ભરેલું હતું. એ લોકોનાં દુ:ખ-દર્દ દૂર કરવા હંમેશાં તત્પર રહેતા. સેવા કરવી એ એમનો જીવનવ્યવહાર હતો.
રવિદાસની રહેણીકરણીમાં એકરૂપતા હતી. તેઓ જે કંઇ કહેતા તે જ આચરણમાં મૂકતા. આ એમના જીવનની બહુ મોટી વિશેષતા હતી. રવિદાસજી શ્રમ સાધનાના મોટા સમર્થક હતા. તેઓ મહેનત મજૂરીને તપશ્ર્ચર્યા સાથે સરખાવતા. તેઓ માનતા કે પોતાની શક્તિ હોય ત્યાં સુધી પરિશ્રમપૂર્વક નીતિથી કમાણી કરી પોતાનું ગુજરાન ચલાવવું જોઇએ. તેઓ મજૂરીને ઇશ્ર્વરની સેવા માનતા. શ્રમસાધનાને સુખશાંતિનું મૂળ તથા પરમાત્માની નજીક પહોંચવાની ગુરુચાવી સમજતા.
મેવાડના રાણી ઝાલીબાઇ અને મીરાંબાઇએ રવિદાસને પોતાના ગુરૂપદે સ્વીકાર્યા હતા. મીરાંબાઇએ પોતે પોતાના પદોમાં પૂર્ણ ગુરુરૂપે રવિદાસનો ઉલ્લેખ કર્યો છે. પોતાના પિતા અને પતિના ઉજ્જવળ નામને કલંકિત કરવાના આરોપનો જવાબ આપતાં તેઓ કહે છે કે ન તો હું મારા પિયરની છું, ન તો સાસરિયાની, મને તો સંત રવિદાસના રૂપમાં ગુરુ મળી ગયા છે અને તેમના દ્વારા મને મારા પ્રભુનો મેળાપ થયો છે.
'નહીં મેં પીહર સાસરે,
નહીં પિયાજી રી સાથ
મીરાને ગોવિન્દ મિલ્યાજી,
ગુરુ મિલિયા રૈદાસ॥
શીખોના પવિત્ર ગ્રંથ 'ગુરુ ગ્રંથસાહેબ'માં રવિદાસનાં ૩૯ પદ સંગ્રહીત છે. '
રવિદાસજીએ ચાતુર્વણની વિકૃતિ, અસ્પૃશ્યતા નામની માનસિક બિમારી તેમજ, કર્મકાંડ અને ધર્મના નામે ચાલતા પાખંડને પડકાર્યો હતો. અને આવા પડકારો સામે એ વિજય થયા હતા.
સંત રવિદાસના જીવનનો એક જ મંત્ર રહ્યો હતો: 'હરિ કો ભજે સો હરિ કા હોય, જાત પાત પૂછે નહીં કોય.'