Wednesday, August 22, 2012

સત્ય તથા ધર્મવિષયક વિચારો ...

 'સત્ય તથા ધર્મવિષયક વિચારો ...'  (પુરુષોતમ માસ વિશેષ)

 

મહાભારતના કર્ણપર્વના ૬૯મા અધ્યાયમાં શ્રીકૃષ્ણ દ્વારા સત્યાસત્ય કે ધર્માધર્મના નિર્ણયવિષયક વ્યક્ત કરાયેલા વિચારો રસમય હોવાથી ખાસ વિચારવા જેવા છે. 
શ્રીકૃષ્ણે અર્જુનને ઉદબોધીને જણાવ્યું કે -  'સત્યવકતા પુરુષ પરમ સત્યપુરુષ તરીકે જ ગણાય છે.  કારણ કે સત્ય કરતાં બીજું કાંઈ પણ ઉત્તમ નથી.  પરંતુ સત્યનું યથાર્થ સ્વરૂપ જાણવું કઠિન છે.  કોઈ સ્થળે અસત્યને પણ સત્ય તરીકે માણવું પડે છે.  આથી જ વિવાહ સમયે, રતિ પ્રસંગે, કોઈનો પ્રાણ જતો હોય ત્યારે, સર્વ ધન લુંટાઈ જતું હોય ત્યારે, તેમજ બ્રાહ્મણને માટે અસત્ય કહેવું પડે, પાંચ અસત્યને પાપરૂપ ગણવામાં આવતાં નથી.  વળી જ્યારે આપનું સર્વસ્વ લૂંટાઈ જતું હોય ત્યારે અસત્ય બોલવું જોઈએ, કારણ કે તેવે પ્રસંગે અસત્યનું પરિણામ સત્યરૂપે આવે છે. 
આ પ્રમાણે સત્યાસત્યનો નિર્ણય નહીં સમજનારો અજ્ઞાની પુરુષ સર્વસ્થળે કેવળ સત્યને જ વળગી રહે છે.  પરંતુ કોઈ વાર તેનું પરિણામ અસત્ય-અધર્મ ભરેલું જ પ્રાપ્ત થાય છે.  માટે પરિણામ તરફ દ્રષ્ટિ કરીને સત્ય હોવા છતાં તે અસત્ય તરીકે સ્વીકારવું જોઈએ અને અસત્ય હોય છતાં સત્ય તરીકે માણવું જોઈએ.   આ રીતે જ સત્ય તથા અસત્યનો નિશ્ચય કરીને પુરુષ ધર્મવેત્તા થઇ શકે છે.' 
એ પછી શ્રીકૃષ્ણે એક કથા કહી સંભળાવી.  પૂર્વે બલાક નામનો એક પારધિ હતો.  તેને હિંસા કરવાની આંતરિક ઈચ્છા ન હતી તો પણ તે પુત્ર તથા સ્ત્રી આદિ કુટુંબની આજીવિકા માટે નિત્ય મૃગોને મારતો હતો અને તે દ્વારા પોતાનાં વૃદ્ધ માતાપિતાનું તથા બીજાં આશ્રિતોનું ભરણપોષણ કરતો હતો.  તે પોતાના ધર્મમાં આસક્ત રહેતો, નિત્ય સત્યવચન બોલતો, અને કોઈની અદેખાઈ કરતો નહોતો.  એક દિવસે તે મૃગનો શિકાર કરવા માટે વનમાં ગયો પણ કોઈ સ્થળે તેના હાથમાં મૃગ આવ્યું નહીં.  એવામાં એણે કોઈ અંધ શિકારી પશુને પાણી પીતું જોયું, એ પશુને તેણે કદી પણ જોયું ન હતું તો પણ તેણે બાન મારીને તે પશુને મારી નાખ્યું.  આમ તે પશુ મરણ પામ્યું એટલે તરત જ આકાશમાંથી પુષ્પવૃષ્ટિ થઇ, અને જોતજોતામાં તો અપ્સરાઓનાં ગીત-વાજિંત્રોથી ગાજી રહેલું એક વિમાન તે પારધિને લઈ જવાં માટે સ્વર્ગમાંથી ઊતરી આવ્યું.  તે પારધિએ જે પશુને મારી નાખ્યું તે સર્વ પ્રાણીઓના વિનાશ કરવા માટે જન્મ્યું હતું.  તપશ્ચર્યા કરીને એણે વરદાન મેળવ્યું હતું અને બ્રહ્માએ પોતે એને અંધ કરેલું.  પારધિએ સર્વ પ્રાણીઓના વિનાશ કરવાનો નિશ્ચયવાળા તે પશુને મારી નાખ્યું તેથી તે પારધિ સ્વર્ગલોકમાં ગયો.  આમ ધર્મનું સ્વરૂપ અતિશય ગહન છે. 
શ્રી કૃષ્ણે એક બીજી કથા પણ કહી સંભળાવી.  તપસ્વીઓમાં ઉત્તમ અને વેદાદિ શાસ્ત્રોમાં પારંગત કૌશિક નામનો બ્રાહ્મણ એક ગામની નજીક, નદીઓના સંગમસ્થળે, આશ્રમ બાંધીને રહેતો હતો.  તે બ્રાહ્મણે સત્યનું વ્રત લીધું હતું.  તેથી તે સત્યવાદી તરીકે ગણાતો હતો.
એક દિવસ કેટલાક મુસાફરો ચોરના ભયથી એના આશ્રમમાં આવીને વૃક્ષોની ઘટામાં છૂપાયા.  તેમને પગલે પગલે પેલા ચોર લોકો પણ આશ્રમમાં આવી પહોંચ્યા અને એમની તપાસ કરવા લાગ્યા.
તે ત્યાં રહેનારા સત્યવાદી કૌશિક પાસે પહોંચીને પૂછવા લાગ્યા કે અહીં ઘણા માણસો આવ્યા હતા તે ક્યાં ગયા આપ સત્યવાદી છો તેથી અમે તમને પૂછીએ છીએ.  માટે આપ જાણતા હો તો કહો.  કૌશિકે ત્વેમને સાચી માહિતી આપી, એટલે પેલા ક્રૂર લૂંટારાઓએ તે મુસાફરોને પકડીને મારી નાખ્યા.  કૌશિક બ્રાહ્મણે સત્ય વચનને વળગી રહીને મહાન અધર્મ કર્યો હતોતેથી તે કષ્ટદાયક ઘોર નર્કમાં ગ્યો, કારણ કે તે સૂક્ષ્મ ધર્મના રહસ્યને સમજતો ન હતો.
 
કેટલાક લોકો વેદમાંથી જ ધર્મનો નિશ્ચય કરવો એમ કહેતા હોય છે.  તારા વિચારોને લોકો અનુસરતા હોય તો પણ હું તારા એ વિચારોને દુષિત ઠરાવતો નથી, પરંતુ મારે તને કેહવું જોઈએ કે વેદમાં સર્વ જાતના સૂક્ષ્મ ધર્મોનું પ્રતિપાદન કરવામાં આવ્યું નથી.  ધર્મનું મૂળ તત્વ પ્રાણીઓનો ઉત્કર્ષ થાય તે માટે જ હોય છે.  જે કર્મ અહિંસાથી યુક્ત હોય તેનું નામ ધર્મ.
  
વિદ્વાનો ધર્મ શબ્દની વ્યાખ્યા કરતાં કહે છે કે જે કોઈ કર્મ સર્વનું ધારણ કરે, પ્રજાઓનું રક્ષણ કરે, તેનું નામ ધર્મ.  પરંતુ કેવળ વ્યાખ્યા પર જ આધાર રાખીને ધર્મના યથાર્થ સ્વરૂપને જાની શકાતું નથી.  બીજાને સુખકારક હોય તેવું જે કર્મ તેનું નામ ધર્મ.
 
 શાસ્ત્રો કહે છે કે પ્રાણનાશનો પ્રસંગ આવી પડ્યો હોય, વિવાહ તૂટી જવાની તૈયારી પર હોય, સર્વ જ્ઞાતિઓનો વિનાશ ઉપસ્થિત હોય, અને ઉપહાસનો પ્રસંગ ચાલતો હોય, તે વેળા અસત્ય વચન પણ અસત્ય ગણાતું નથી. 
 
ધર્મના તત્વાર્થને જાણનારા વિદ્વાનો પણ તેવે પ્રસંગે બોલાયેલા અસત્યને અધર્મ તરીકે ગણતા નથી.  કોઈ મનુષ્ય ચોરલોકોના હાથમાં સપડાઈ ગયો હોય તો જુઠા જુઠા સોગંદો ખાઈને પણ  તેણે તેમના હાથમાંથી છૂટી જવું.  તેવે પ્રસંગે વિચાર કર્યા વિના અસત્ય બોલવું તે જ શ્રેયસ્કર હોય છે, તે અસત્યને પણ સત્ય તરીકે જ ગણાય છે.  ધર્મને અર્થે અસત્ય બોલીને પુરુષ અસત્યવક્તા થતો નથી.
 

અધિકમાસ - શ્રીપુરષોત્તમ માસ ... 

ચાંદ્ર વર્ષ પરથી તિથિ, કરણ, વિવાહ, વાસ્તુ વગેરે કૃત્યો તથા વ્રત, ઉપવાસ, યાત્રાનો સમય વગેરે ઠરાવાય છે. માસ નિર્ણય પણ આ વર્ષ પરથી થાય છે. ચાંદ્ર વર્ષ પ્રમાણે મહિનાઓ નક્કી થાય છે અને સૌર વર્ષ પ્રમાણે વર્ષ નક્કી થાય છે. ચાંદ્ર વર્ષ સૂર્ય વર્ષ (સૌર વર્ષ કરતાં ૧૦ દિવસ ૨૧ કલાક અને ૨૦ મિનિટ ૩૫ સેકન્ડ) નાનું છે. આ તફાવત વધીને ૩૦ દિવસનો થવા આવે ત્યારે એક ચાંદ્ર માસ વધારી બન્નેનો મેળ રાખવામાં આવે છે. આ વધારેલા માસને અધિક માસ કહેવાય છે. ચાંદ્ર માસમાં સૂર્ય એક રાશિમાંથી બીજી રાશિમાં જાય છે. ચાંદ્રમાસ 30 દિવસ કરતા નાનો હોવાથી કોઈક વખત આગલા ચાંદ્રમાસની અમાસે સંક્રમણ થયું હોય અને બીજું સંક્રમણ બીજા માસની શુક્લ પ્રતિપદાએ થાય. અર્થાત, ચાંદ્રમાસ દરમિયાન સૂર્ય રાશિ બદલે નહિ તો તે માસને અધિકમાસ કહે છે. આથી જે માસમાં સંક્રાંતિ ન થાય અર્થાત સૂર્ય રાશિ ન બદલે તે માસને અધિક માસ કહેવામાં આવે છે. અધિક માસની પદ્ધતિ દાખલ કરવાનો આશય ઋતુમાન અર્થાત સાયન વર્ષ જોડે સંબંધ રાખવાનો છે. આમ ન હોત તો આપણા ઉત્સવો દરેક ઋતુમાં ફર્યા કરત.No comments: