Sunday, April 29, 2012

ભારતને સમર્થ બનાવવા આપણા પ્રાચીન સંસ્કારોનું પુનર્જાગરણ જરૂરી : મોહનજી ભાગવત


ભારતને સમર્થ બનાવવા આપણા પ્રાચીન સંસ્કારોનું
પુનર્જાગરણ જરૂરી : મોહનજી ભાગવત
  • સુપ્રીમ કોર્ટનો આદેશ છે કે બહારથી ભારતમાં આવેલા લોકોને શોધો, તપાસ કરો અને શંકા લાગે તો  તુરત હાંકી કાઢો. ડિટેક્ટ, ડિપોર્ટ એન્ડ ડિલીટ. પણ આપણે તો ડિટેક્ટ પણ નથી કરતા.
  • કેટલાક લોકો કહે છે કે કાશ્મીર પાકિસ્તાનને સોંપી દો, બધી ઝંઝટ જ ખતમ થઈ જાય. શું કામ? ભારત કોઈના બાપ-દાદાની જાગીર છે કે કોઈને લીઝ પર કે ભેટમાં આપી દેવાય?
  • ભારતીય સંસ્કૃતિના રક્ષણનો રાજનૈતિક સંકલ્પ પ્રબળ નહિ હોય ત્યાં સુધી દેશને બળવાન બનાવવો અશક્ય છે.
  • સામાન્ય માણસ પ્રામાણિક છે, પરંતુ ધનવાન વ્યક્તિ પ્રત્યેક કામમાં 10 ટકાની ખાયકી કરે છે.
  • સરહદોની ચિંતાજનક સ્થિતિ માટે સૈન્ય નહિ, આપણી નીતિઓ જ જવાબદાર છે.
તા. 16-4-2012ના રોજ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક શ્રી મોહનજી ભાગવતે રાજકોટના પ્રવાસ દરમિયાન વિરાણી હાઈસ્કૂલના મેદાનમાં યોજાયેલ જાહેર સમારોહમાં ભારતના સામર્થ્ય, ભારતના સંસ્કાર અને ભારતની વર્તમાન પરિસ્થિતિ અંગે વાતો કરી હિન્દુત્વના આધારે ભારતનું પુન: નિર્માણ કરવાનો હુંકાર કર્યો હતો. પ્રસ્તુત છે તેમના ઉદ્બોધનના પ્રમુખ અંશ....
RSS-Photo.jpg
‘‘આ કાર્યક્રમ માત્ર ભાષણ કે ગપસપ્નો જ નથી, દેશની વર્તમાન પરિસ્થિતિ અંગે વિચાર કરવાનો છે. આપણે સૌ રોજની ચિંતા, મોંઘવારી, અડચણો અને અનેક મુશ્કેલીઓ વચ્ચે પણ જીવન આરામથી ચાલતું રહે તેનો જ હંમેશાં વિચાર કરીએ છીએ. આપણી અપેક્ષા મુજબ થાય એ અશક્ય પણ નથી છતાં એ થતું નથી. પ્રયત્નો કર્યા છતાં પણ સતત નિષ્ફળતા મળે છે, પરિણામે લોકો ચિંતિત અને વ્યગ્ર છે. તેથી વિશ્ર્વમાં બધું બરાબર ચાલી રહ્યું નથી અને બધું બરાબર થઈ જશે એવું પણ નથી લાગતું.’’ આ શબ્દો છે તા. 16મી એપ્રિલના રોજ રાજકોટ ખાતે પધારેલા રા.સ્વ.સંઘના સરસંઘચાલક મા.શ્રી મોહનજી ભાગવતના. શ્રી મોહનજી ભાગવતે આ રીતે ઉદ્બોધનની શરૂઆત કરી આગળ જણાવ્યું હતું કે, મનુષ્યે જ્યારથી ગામડું વસાવ્યું અને ખેતી શરૂ કરી ત્યારથી આવું ચાલે છે. ધીરે ધીરે રાજ્ય અને શાસનપદ્ધતિ વિકસી અને સાથે સાથે પ્રજા પર અત્યાચાર પણ શરૂ થયો, પરિણામે સંતોનું આગમન થયું. તેમનું માર્ગદર્શન મળ્યું અને વિવિધ સંપ્રદાયોનો જન્મ થયો. તેથી થોડો સમય ધર્મસત્તા પણ સ્થપાઈ પરંતુ તેમાં પણ ભટકાવ શરૂ થયો. પશ્ર્ચિમમાં તો રાજાઓ - જાગીરદારો, ધર્મગુરુઓને પૈસા આપી મોક્ષ ખરીદતા થયા. આ પ્રકારની હાસ્યાસ્પદ પરિસ્થિતિના નિર્માણ બાદ વિજ્ઞાનનો વિકાસ થયો અને ‘વિજ્ઞાન માણસને સાચું સુખ આપી શકે છે’ એવી ભાવનાનો જોરદાર પ્રચાર થયો. પરંતુ ત્યાં પણ થોડાક જ સમયમાં સાધનો મેળવવાની હોડ શરૂ થઈ, પરિણામે સુખનાં સાધનો તો વધ્યાં પરંતુ સંસ્કાર અને નીતિમત્તા વધ્યાં નહીં. સમાજમાં સાવ અલગ જ પ્રકારની મુશ્કેલીનું નિર્માણ થયું અને ‘સર્વાઇવલ ઓફ ધી ફિટેસ્ટ’ એટલે કે ‘વિજયી બનીને સુખ મેળવો’નો વિચાર પ્રસ્થાપિત થયો. તેની પ્રતિક્રિયા રૂપે સામ્યવાદનો જન્મ થયો. સામ્યવાદે સંપત્તિ, કુટુંબ અને ધર્મના ખ્યાલો બદલવાની શરૂઆત કરી, પરિણામે સંઘર્ષ અને ક્રાંતિઓ શરૂ થઈ. સાથે તેની સામ્યવાદી તાનાશાહી પણ વધતી ગઈ. શોષક, શોષિત અને તેમની સેવા કરનારો એમ ત્રણ વર્ગોમાં સમાજ વિભાજિત થઈ ગયો. પણ ‘સામ્યવાદ’ અને ‘વિશ્ર્વશાંતિ’ને નામે યુદ્ધો થયાં.
વિશ્ર્વની એકમાત્ર આશા ભારત
આ યુદ્ધો પછી વૈશ્ર્વીકરણની શરૂઆત થઈ, પરંતુ તેમાં પણ શાંતિ નથી. યુદ્ધ, અલગતાવાદ, મોંઘવારી અને પોતાને જ ફાયદો મળે એવી વિચારધારાને કારણે લોકો વચ્ચે આર્થિક અસમાનતાની મોટી ખાઈ સર્જાઈ છે. સુખ-શાંતિ વિશ્ર્વમાંથી ધીરેધીરે જાણે કે વિદાય લઈ રહ્યાં છે. ચારે તરફ અશાંતિ-અસમાધાન, દુ:ખને કારણે વિશ્ર્વ હાલકડોલક થયું છે. વિશ્ર્વના આ કપરા કાળમાં ભારતની કોઈ જ ભૂમિકા નથી, કારણ કે ખુદ ભારત માટે જ કપરો સમય ચાલી રહ્યો છે. તેમ છતાં વિશ્ર્વની એક માત્ર આશા ભારત જ છે, કારણ કે મનુષ્યની સાથે સાથે જ સૃષ્ટિનો પણ વિકાસ થયો છે એ વિચાર માત્ર ભારતનો જ હતો. ભારત એક જમાનામાં સંપૂર્ણ વિશ્ર્વને જીતી શકે તેવી સ્થિતિમાં હોવા છતાં, તેણે એક પણ દેશ પર આક્રમણ કર્યું નથી. આ છે આપણું ભારત.
ભારતે વિશ્ર્વને જ્ઞાન આપ્યું છે. આજે પણ ભારત વિશ્ર્વને નવો પ્રકાશ આપવા સમર્થ છે, પરંતુ તેના માટે ભારતે મજબૂત બનવું પડશે. આજે પ્રત્યેક ભારતવાસીના મનમાં એક જ સવાલ છે કે હવે દેશનું શું થશે...? ભ્રષ્ટાચાર સર્વવ્યાપી બનીને પ્રત્યેક જગ્યાએ દેશના નાગરિકોને કનડી રહ્યો છે. ભ્રષ્ટાચાર થકી વિદેશમાં જમા કરાવેલ ધન પરત લાવવાના પ્રયાસો તો અહીં થયા છે, પરંતુ ખૂબ જ અલ્પ પ્રમાણમાં અને એટલાથી જ ભ્રષ્ટાચાર અટકી કે ખતમ થઈ જવાનો નથી, કારણ કે ભ્રષ્ટાચાર  માનવીના મનની ઊપજ છે. દેશનો સામાન્ય માણસ બિલકુલ પ્રામાણિક છે, પરંતુ ધનવાન વ્યક્તિ પ્રત્યેક કામમાં 10 ટકાની ખાયકી કરે છે. ઘણી વાર ભણેલા-ગણેલા દેશ, અને સમાજનું નેતૃત્વ કરનારા અગ્રગણ્ય લોકો જ ભ્રષ્ટાચાર અને અપ્રામાણિકતામાં લિપ્ત સાબિત થયા છે. ત્યારે એક વાત સમજી લેવી જોઈએ કે આપણી માનસિકતામાં પરિવર્તન નહીં આવે ત્યાં સુધી ભ્રષ્ટાચાર ક્યારેય દૂર થવાનો નથી. ‘પાણીમાં રહેતી માછલી ક્યારે પાણી પી લે છે તેની કોઈને ખબર પડતી નથી, તેમ જ સત્તાધીશો ક્યારે ભ્રષ્ટાચાર આચરી લે છે તેની કોઈ જ ખબર પડતી નથી.
ભારત માત્ર જમીનનો ટુકડો નથી
ઇઝરાયલ આપણી સાથે જ આઝાદ થયું હતું છતાં આજે આપણાથી તે અનેકગણું મજબૂત છે. જાપાનને પણ આપણી સાથે આઝાદી મળી હતી, તે પણ આજે આપણા કરતાં ક્યાંય આગળ છે. આપણને સ્વતંત્રતા તો મળી, એક ઉત્સાહ પણ હતો. એક-એકથી ચડિયાતા નેતા પણ આપણી પાસે હતા, છતાં આપણે પછાત રહી ગયા! આવું કેમ? આજે પરિસ્થિતિ કેવી ઊભી થઈ છે? આપણા સૈન્યનું મનોબળ જુઓ. તે આપણને કહે છે ડરવાની જરૂર નથી અમે તૈયાર જ છીએ. જે સાધનો છે તેનાથી લડીશું, અને દેશને ઊની આંચ પણ નહીં આવવા દઈએ. આ છે આપણી સૈના અને આવો છે આપણા સૈન્યનો આત્મવિશ્ર્વાસ. પણ, આપણા જ દેશના કેટલાક લોકો કહે છે કે, કાશ્મીર પાકિસ્તાનને સોંપી દો, બધી ઝંઝટ જ ખતમ. આપણે ભારતના બે ટુકડા કરી પાકિસ્તાન બનાવ્યું છતાં પણ આજદિન સુધી શાંતિ મળી છે ખરી? ભારત એ કાંઈ જમીનનો ટુકડો માત્ર નથી કે કોઈને દાનમાં કે લીઝ પર કે પછી કાગળ પર સહી કરીને આપી દેવાય. નક્સલવાદીઓ વારંવાર વાતચીત કરવાને બહાને યુદ્ધવિરામ કરે છે અને એ જ યુદ્ધવિરામનો ભંગ કરી હિંસા ફેલાવે છે, છતાં આપણે કેમ કાંઈ કરી શકતા નથી? કારણ કે આપણે ત્યાં સ્વાર્થના રાજકારણની બોલબાલા છે, જે કોઈપણ સંજોગોમાં આપણા હિતમાં નથી.
ભારતે શક્તિશાળી બનીને ઊભા રહેવું હશે તો ભારતની વિશેષ પ્રકૃતિ સમજીને તે મુજબ કામ કરવું પડશે. ભારતનું નામ આજે ભલે બદલાઈને ઇન્ડિયા થઈ ગયું હોય, પરંતુ રાષ્ટ્રીયતા તો હજુ અકબંધ છે. એ રાષ્ટ્રીયતાનો આધાર આપણી ભારતીય જીવનશૈલી છે. આપણે, આપણાં એ જીવનમૂલ્યોને ટકાવી રાખી સમાજની રક્ષા કરવી પડશે. ભારતીય વિચારધારા મુજબ વિકાસ અને સૃષ્ટિ સાથે સાથે પાંગરે છે, પરંતુ આપણે વિકાસને સૃષ્ટિનો વિરોધી બનાવી દીધો છે. પરિણામે વિકાસ છતાં અનેક સમસ્યાઓ છે. આ પરિસ્થિતિમાં સુધારો નહીં આવે ત્યાં સુધી ભારતની આવી દુર્દશા જ રહેવાની છે.
શ્રેષ્ઠ સંસ્કારો આપે રાષ્ટ્રભાવના
દેશના પ્રત્યેક નાગરિકમાં રાષ્ટ્રીયતાની ભાવના જગાડવા માટે આપણા શૂરવીરો, આદર્શ દેશપ્રેમી વ્યક્તિત્વોને પ્રતિષ્ઠિત કરવાં પડશે. ડા. અબ્દુલ કલામે પણ આ જ વાત કરતાં કહ્યું છે કે આપણે ભારતના પ્રાચીન સંસ્કારોને જ પુનર્જીવિત કરવા પડશે. ત્યારે જ આપણે સાચા અર્થમાં મહાશક્તિ બની શકીશું અને તેમાં ત્રણ બાબતો ખૂબ જ મહત્ત્વની છે : ‘વ્યક્તિનું આચરણ’, ‘કુટુંબપ્રથા - તેના દ્વારા મળતા સંસ્કારો, અને મૂલ્યનિષ્ઠ શિક્ષણ’. આ ત્રણેય બાબતો જ મજબૂત રાષ્ટ્રના પાયામાં છે. આ ત્રણેય બાબતો થકી જ સમાજ બદલાશે, નીતિઓ બદલાશે અને ભારતનું સંરક્ષણ, સંવર્ધન થશે. ભારતભૂમિના શ્રેષ્ઠ સંસ્કારો જ આપણું જીવન છે. જળ-જમીન-જનાવર અને જંગલ બધાંનો આદર કરી અનેકતામાં એકતાનો અનુભવ કરવો એ જ આપણો જીવનમંત્ર હોવો જોઈએ. આ જ સાચું હિન્દુત્વ છે, જે સદૈવ ભારતીય જીવનશૈલીનો આધાર રહ્યું છે. આ હકીકતને સમજીને આગળ વધવાની જરૂર છે. આમ થશે તો આવનાર થોડાક જ સમયમાં દેશનો કાયાકલ્પ થઈ જશે, નહિ તો આ દેશમાં અનેક મહાપુરુષો આવશે અને જશે પરંતુ દેશ ત્યાંનો ત્યાં જ રહેશે.
રાજકોટ પ્રવાસ દરમિયાન સરસંઘચાલક શ્રી મોહનજી ભાગવત રાજકોટ ખાતે ચાલતી પ.પૂ. સંતશ્રી મોરારી બાપુની રામકથા પ્રસંગે તેમના નિવાસસ્થાને વિશેષ રૂપથી મુલાકાત માટે ગયા હતા. રાજકોટની વીવીપી ઇજનેરી કાલેજના સમારોહમાં હાજરી આપી વિદ્યાર્થીઓને સ્વામી વિવેકાનંદના વિચારો : આજના પરિપ્રેક્ષ્યમાં વિષય પર મહત્ત્વનું ઉદ્બોધન પણ કર્યું હતું. તે ઉપરાંત અરુણાંચલ પ્રદેશમાં કામ કરતા વનવાસી કલ્યાણ પરિષદના  પ્રચારકોના પરિવારજનોની પણ વિશેષ મુલાકાત લીધી હતી.


1

No comments: