Sent from my iPad
Begin forwarded message:
From: Jaydeep Ramavat <jkramavat@gmail.com>
Date: February 6, 2013 11:09:04 AM GMT+05:30
To: undisclosed-recipients:;
Subject: મારગ ! – ડૉ. આઈ. કે. વીજળીવાળા ( સત્ય ઘટના)
મારગ ! – ડૉ. આઈ. કે. વીજળીવાળા ( સત્ય ઘટના)
[ ડૉ.વીજળીવાળાસાહેબના જીવનપ્રસંગો પર આધારિત સુંદર પુસ્તક 'સમયને સથવારે' માંથી સાભાર..]
સાંજના સાડા પાંચ થયા હશે. નિશાળેથી આવી મેં દફતર ઘરમાં મૂક્યું. પછી હાથ-પગ ધોયા. મને નવાઈ એ વાતની લાગતી હતી કે કાયમ આ સમયે રાંધવામાં પડેલાં મારાં બા આજે ઝૂંપડીના ઓટલે ચૂપચાપ બેઠાં હતાં. મારો યુનિફોર્મ બરાબર ગોઠવી ઘરમાં પહેરવાનાં કપડાં પહેરીને હું બા પાસે જઈને બેઠો.
'કેમ બા શું થયું ?' મેં પૂછ્યું.
'ભાઈ !' બા બે મિનિટ માટે અટક્યાં. પછી બોલ્યાં, 'આજે રાંધવા માટે લોટ કે ચોખા કંઈ પણ નથી !'
'બીજું કંઈ નથી બા ?' મેં પૂછ્યું.
'ના ભાઈ, કંઈ નથી !' બાએ જવાબ આપ્યો.
'હવે શું કરશું બા ? આજે ખાવાનું નહીં મળે ?' મારે નહોતું પૂછવું તોપણ પુછાઈ ગયું.
'ઉપરવાળો જાણે !' બાએ અમારા દુ:ખ જેવડો નિસાસો મૂક્યો.1975ના વરસના કપરા કાળના એ દિવસો હતા. અમારા ઘરને પણ ગરીબાઈ બરાબર આંટો લઈ ગઈ હતી. એક સાંધો અને તેર તૂટે તેવી ઘરની પરિસ્થિતિ હતી. રેશનિંગમાંથી મળતી રાહત સામગ્રી તો હાથીને એકાદ પૂળો ઘાસ મળ્યું હોય તેવી લાગતી. ઘરનાં દસ જણાં ઉપરાંત અગિયારમા સભ્ય તરીકે અછત અમારી સાથે અમારા દસ બાય દસનાં કાચી માટીના મકાનમાં રહેતી. જિંથરી ગામ અને અમરગઢ ટી.બી. હૉસ્પિટલના આયા ક્વાર્ટર્સની વચ્ચેના વગડામાં અમારું કાચી માટીનું ઘર હતું. પતરાનું છાપરું હોવાથી મોટા ભાગે અમે બધા ફળિયામાં જ રહેવાનું પસંદ કરતા. એ વિસ્તારમાં કદાચ અમારું ઘર જ એવું હતું કે ધોમધખતા ઉનાળામાં પણ ઘર કરતા ફળિયામાં વધારે ઠંડક લાગતી. એ વખતે હું નવમું ધોરણ ભણતો.
અછત અને અભાવ માણસને સમયની પહેલાં જ સમજણો બનાવી દેતાં હોય છે. નાની ઉંમરથી અમે બધાં ભાઈબહેન પણ ઘરના વડીલોના હાવભાવ પરથી જ એમનાં મન વાંચતા અને પરિસ્થિતિને પામતાં શીખી ગયેલાં. અમારે જે તે સાંજે હસતાં સૂવાનું છે કે રડતાં એ પણ સમજી જતાં. જોકે ઉપરવાળાએ ક્યારેય અમને ભૂખ્યા સૂવડાવ્યા નથી, ક્યારેય નહીં. તેમ છતાં આજે બાને ઉદાસ બેઠેલાં જોઈને મને ધ્રાસ્કો પડ્યો હતો. નિશાળેથી છૂટીને આવતા દીકરા-દીકરીઓને માટે કાયમ હોંશે હોંશે રોટલા ટીપીને તૈયાર રાખનાર બા આજે કેમ કરીને કંઈ પણ રાંધ્યા વિના બેઠાં રહી શક્યાં હશે ? 'આજે કંઈ નથી રાંધ્યું' એવા શબ્દો ઉચ્ચારતાં એને કેટલી મહેનત પડી હશે એની આજે પણ હું કલ્પના નથી કરી શકતો.
થોડી વાર કંઈ પણ બોલ્યા વિના હું બાની બાજુમાં બેઠો રહ્યો. મારા બાપુજી તો રાતના અગિયાર પહેલાં ઘરે આવે એવી કોઈ જ શક્યતા નહોતી. મારા હૃદયમાં શારડી અને પેટમાં ભૂખની ભૂતાવળ ફરતી હતી. હજુ તો સાંજના સાડા પાંચ જ થયા હતા. આવામાં રાતના અગિયાર વગાડવા શી રીતે ? ત્યાં સુધીનો સમય કઈ રીતે પસાર કરવો ? શું કરવું ?
'બા, ફલાણા દુકાનદારને ત્યાં જઈ હું ઉધાર બાજરો લેતો આવું ?' મેં પૂછ્યું.
'ચાર વાગ્યે હું ગઈ હતી.' બાએ જવાબ આપ્યો, 'દુકાનદારે ના પાડી. કીધું કે પહેલાં જૂના બાકી ચૂકવી દો. પછી જ કાંઈ પણ મળશે.' બાએ નીચું જોઈને જ વાક્ય પૂરું કર્યું.'
જૂના છાપાની પસ્તી પડી હોય તો વેચતો આવું ?' મેં ફરીથી પૂછ્યું.
'તારા બાપુ એ લઈને જ શિહોર ગયા છે. રાતે મોડા પાછા આવશે.' બાના આ જવાબથી ફરી પાછો એ જ સવાલ સામે આવીને ઊભો રહી ગયો કે 'આવામાં રાતના અગિયાર વગાડવા શી રીતે ?' આ દરમિયાન મારાથી નાનાં-મોટાં ભાઈબહેન નિશાળેથી આવી દફતર મૂકીને રમવા જતાં રહ્યાં હતાં. એ બધાં પણ ચૂલો સળગ્યો નથી એટલે ઘરમાં કંઈ જ નહીં હોય એ વગર કીધે જ સમજી ગયાં હતાં. હું અને બા થોડી વાર એમ જ બેઠાં રહ્યાં. મારા પેટમાં બિલાડાં બોલતાં હતાં. એ ઉંમર એવી હતી કે ઘડીવાર પણ ભૂખ્યા ન રહી શકાય. મેં ફરી એક વાર ઊભા થઈને પાણી પીધું.'અરે એમાં આટલા નિમાણા કેમ થઈ ગયા છો ? ઈ હજાર હાથવાળો કાંઈ ભૂખ્યાં થોડાં જ સૂવડાવશે ?' મારાં દાદીમા અડાયા (સૂકાં છાણાં)નો સૂંડલો ફળિયામાં મૂકતાં બોલી ઊઠ્યાં, 'ઘરમાં દાણા નથી એમાં આમ ઢીલા થોડા પડી જવાય ? કાંઈક મારગ નીકળી જ જાશે.' એટલું કહી એમણે અડાયાને એની જગ્યાએ ગોઠવવાનું શરૂ કર્યું. જોકે કદાચ એ દિવસે કાંઈ મારગ ન પણ નીકળે એવી એમને પણ ખબર હોય એવું મને લાગતું હતું. મારા દાદીમા ખૂબ જ આશાવાદી હતા. જીવન પ્રત્યેનો હકારાત્મક અભિગમ એમના અભણ છતાં ખૂબ જ ગણેલા વ્યક્તિત્વનું સર્વોચ્ચ પાસું હતું. મને એ કાયમ કહેતા કે ઉપરવાળાને હંમેશા એમ પ્રાર્થના કરવી કે ભૂખ્યા ઉઠાડજે, ભૂખ્યા સૂવડાવતો નહીં. એ દિવસે પણ એમનો એવો અભિગમ અમને હિંમત આપતો હતો. અમારા ઘરમાં ઘરેણાને નામે બાના નાકમાં રહેલ એક દાણો (ચૂંક) માત્ર હતી. વારે વારે બાનો હાથ એના પર જતો હતો. કદાચ એ વેચીને અનાજ લાવવાનો એનો વિચાર તો નહીં હોય ને ? મને થયું. કદાચ એમ પણ હોય, કઈ મા પોતાના જણ્યાને ભૂખ્યાં સૂતાં જોઈ શકે ? અર્ધોએક કલાક એમ જ વિચારવામાં પસાર થઈ ગયો. ઉનાળાના એ દિવસો હતાં. આમેય એ દિવસો ખૂબ લાંબા હોય. આવી કોઈ તકલીફ હોય ત્યારે તો જાણે સમય અટકી જ જતો હોય છે. સુખની ક્ષણોમાં અશ્વગતિએ ભાગતો સમય તકલીફ અને દુ:ખની વેળાએ શા માટે મંથરગતિએ ચાલતો લાગતો હશે ? એ રહસ્ય ન હોવા છતાં નથી સમજાતું.
અચાનક મારાં બા ઊભાં થયાં. હાથમાં ખાલી તપેલી લઈ બહાર જતા બોલ્યા, 'તું તારું લેસન કરી નાખ. હું પડોશીને ત્યાં જતી આવું. જો આજનો દિ ચાલે તેટલો લોટ કોઈ આપે તો કાલે તો પાછો વાળી દેશું.' એટલું કહી એ ગયાં. ઘરના ફળિયામાં પડેલા કાથીના ખાટલા પર બેસી મેં લેસન કરવાનું શરૂ કર્યું. મારાં દાદીમા ફળિયું વાળતાં હતાં. કાચી માટીનું પતરાના છાપરાવાળું અમારું ઘર ભલે ખખડધજ લાગતું પરંતુ અમારું વિશાળ ફળિયું હંમેશા ચોખ્ખું-ચણાક અને જોતાં જ ગમી જાય તેવું રહેતું. મારા દાદીમા સિત્તેર વરસની ઉંમરે પણ ફળિયું બરાબર વાળી-ચોળીને ચોખ્ખું રાખતાં. એ હંમેશાં કહેતા કે, 'ઘરનું ફળિયું અને માણસનું મન ચોખ્ખાં જ હોવા જોઈએ, તો જ કોઈકને આવવાનું અને બે ઘડી ઠરવાનું મન થાય !'
વીસેક મિનિટ પછી મારાં બા પાછાં આવ્યાં. હાથમાં આડી પકડેલી તપેલી એ ખાલી જ છે એવી દૂરથી જ ચાડી ખાતી હતી. ઉપરવાળાએ એ દિવસ સુધી તો ક્યારેય ભૂખ્યા સૂવડાવ્યા નહોતા પરંતુ એ રાત માટે હવે મને શંકા લાગવા માંડી હતી. તપેલી મૂકી બા દાદીમાને ફળિયું સાફ કરાવવામાં મદદ કરવા માંડ્યાં. લેસન પૂરું કરી હું ઘરમાં ગયો. અમારી નોટબૂક્સ તેમજ ચોપડા રાખવા માટે અમે ઘરની માટીની દીવાલમાં લાકડાનું એક ખોખું આડું બેસાડેલું. બે ફૂટ બાય બે ફૂટના એ ખોખામાં અમારી ઘણી વસ્તુઓ સમાઈ જતી. એ દિવસે ભૂખને ભુલાવવાના શક્ય તેટલા બધા જ પ્રયત્નો મારે કરવાના હતા. એટલે કંઈક કામ કરી સમય પસાર કરવા માટે મેં એ ખોખું સાફ કરવાનું નક્કી કર્યું. ચોપડા, નોટબૂક્સ તેમજ અન્ય કાગળિયાં કાઢીને હું નીચે મૂકતો ગયો. પોણું ખોખું ખાલી થઈ ગયું. અચાનક જ ખોખામાં સાવ પાછળ પડેલી નાનકડી એવી પતરાની એક ડાબલી મારી નજરે ચડી. મેં એ ઉપાડી તો એનો ખડખડ અવાજ એની અંદર પૈસા હોવાની ચાડી ખાતો હતો. ખાનું ખાલી કરવાનું ને ગોઠવવાનું બાજુ પર મૂકી મેં એ ડાબલી ખોલીને નીચે ઠાલવી. એમાં દસ પૈસા તેમજ પાંચ પૈસાના સિક્કા હતા !
અમે બધાં ભાઈ-બહેન નિશાળની બપોરની રિસેસમાં ખાવા માટે ઘરેથી બનાવેલ બાજરાનો રોટલો અને દાળ-શાક કે કાંદા એવું જ લઈને જતાં. પરંતુ ક્યારેક સમયસર રંધાયું ન હોય તો બા કે બાપુજી બધાને રિસેસમાં વાપરવા માટે પાંચ કે દસ પૈસા આપતા. એના ચણા લઈ અમે રિસેસ પસાર કરતાં. પરંતુ હું ઘણી બધી વાર આ પૈસા વાપરતો નહીં અને આ ડબ્બીમાં ભેગા કરતો. મારો ઈરાદો પાંચ રૂપિયાવાળો કંપાસ લેવાનો હતો. મારી જોડે ભણતા અન્ય વિદ્યાર્થીઓ પાસે એવો કંપાસ જોઈને મને પણ એ લેવાની ખૂબ જ ઈચ્છા હતી. ઘરમાંથી એટલા બધા પૈસા (પાંચ રૂપિયા) કંપાસ માટે કાઢવા શક્ય નહોતું એટલે છેલ્લા થોડાક મહિનાથી હું નાસ્તાના પૈસા બચાવતો હતો. પાછલા ઘણા દિવસથી અમને બાપુજીએ વાપરવાના પૈસા આપ્યા જ નહોતા એટલે આ ડબ્બી ભુલાઈ ગઈ હતી અને આજે આમ સાવ જ અચાનક હાથમાં આવી ગઈ હતી. ભામાશાનો સાદ સાંભળીને રાણા પ્રતાપને જેવો આનંદ થયો હશે કંઈક એવો જ આનંદ મને એ ડબ્બીનો ખખડાટ સાંભળીને થયો હતો. મેં જમીન પર પડેલા પૈસા ગણ્યા તો પૂરા ચાર રૂપિયા અને નેવું પૈસા થયા. નવા સરસ કંપાસની કિંમતમાં ફક્ત દસ પૈસા જ ઓછા રહેતા હતા.
હું ખુશીથી ઊછળી પડ્યો. પૈસા ઝડપથી હાથમાં ભેગા કરીને બહાર ગયો. બા તેમજ દાદીમાને વાત કરી. પછી કરિયાણાની દુકાન તરફ દોટ કાઢી. એ વખતે સાતઆઠ રૂપિયાનો વીસ કિલો બાજરો મળતો. અર્ધો મણ બાજરો થેલીમાં લઈ મેં જ્યારે અમારા ઝાંપામાં વિજેતાની અદાથી પ્રવેશ કર્યો ત્યારે બા અને દાદીમા સૂપડું તૈયાર રાખીને બેઠાં હતાં. બાજરો દળાવવા મોકલતાં પહેલાં સમો કરવા સૂપડામાં નાખતાં મારાં બાની સામે મારા દાદીમા એવી રીતે જોઈ રહ્યાં હતાં કે જાણે કહેતાં ન હોય કે, 'ઈ હજાર હાથવાળો કાંઈ ભૂખ્યા થોડા સૂવડાવે ? હું નહોતી કહેતી કે કાંઈક મારગ નીકળશે જ, નીકળ્યો ને ?'
No comments:
Post a Comment