Thursday, December 11, 2014

ડૉ.આંબેડકર અને ટિળક પિતા-પુત્ર : સંબંધોના બે ધ્રુવસામાજિક સમરસતા ના મુદા ને સ્પર્સતો આ લેખ છે.

gujarati world


ડૉ.આંબેડકર અને ટિળક પિતા-પુત્ર : સંબંધોના બે ધ્રુવ

Posted: 10 Dec 2014 07:35 AM PST

લોકમાન્ય ટિળક મહાન દેશભક્ત છતાં જ્ઞાતિની બાબતમાં રૂઢિચુસ્ત હતા, જ્યારે તેમના સુધારક પુત્ર શ્રીધરપંતે ૩૨ વર્ષની વયે આપઘાત કરતાં પહેલાં, જીવનનો છેલ્લો પત્ર ડૉ.આંબેડકરને લખ્યો હતો.

સ્વરાજની લડતમાં સંકળાયેલા કેટલાક આગેવાનોના ઘરમાં 'દીવા તળે અંધારું' જેવા કિસ્સા બન્યા હતા. તેમાં સૌથી જાણીતો કિસ્સો ગાંધીજી અને હરિલાલનો. મોતીલાલ નેહરુના સમકાલીન, 'દેશબંઘુ'  ચિત્તરંજન દાસનો એકનો એક પુત્ર ભૂંડે હાલ મૃત્યુ પામ્યો હતો. એમ તો, ગાંધીયુગ પહેલાં ભારતના રાજકારણમાં જેમનો ડંકો વાગતો હતો, તે 'લોકમાન્ય' બાળગંગાધર ટિળકના એક પુત્રે પણ આત્મહત્યા કરી હતી.

પરંતુ બીજા કિસ્સા અને લોકમાન્ય ટિળક/ Lokmanya Tilakના પુત્ર શ્રીધરપંત / Shridhar Pant Tilak ના કિસ્સામાં પાયાનો ફરક હતો : શ્રીધરપંત તેમના રૂઢિચુસ્ત પિતાનો બ્રાહ્મણવાદી અભિગમ છોડીને, સમાજસુધારાના રસ્તે આગળ વઘ્યા, ડૉ.આંબેડકરના સંપર્કમાં આવ્યા અને તેમના સહયોગી બની રહ્યા. ૧૯૨૮માં અકાળે આત્મહત્યા કરતાં પહેલાં છેલ્લો પત્ર ડૉ.આંબેડકરને લખ્યો હતો.

ડૉ.આંબેડકરે જેમનામાંથી પ્રેરણા મેળવી એવા 'મહાત્મા પહેલાંના મહાત્મા' જોતિરાવ ફૂલે લોકમાન્ય ટિળકના સમકાલીન હતા. ટિળકનાં સાપ્તાહિકો 'મરાઠા' અને 'કેસરી' જોતિબાની જુસ્સાભરી સુધારક પ્રવૃત્તિઓની ટીકા કરવામાં કશી પાછી પાની કરતાં નહીં. છતાં, એક વાર કોલ્હાપુરના દીવાને ટિળકનાં બન્ને સાપ્તાહિકો સામે બદનક્ષીનો દાવો કર્યો, ત્યારે તે ટિળકના પક્ષે રહ્યા. એટલું જ નહીં, જોેતિબાના કહેવાથી તેમના એક સાથીદારે લોકમાન્ય ટિળક માટે જામીનગીરી આપી હતી.  અદાલતી કાર્યવાહી પછી ટિળક અને તેમના સાથીદાર અગરકરને ૧૦૧ દિવસની જેલ થઇ. ત્યાર પછી સજા ભોગવીને બહાર આવેલા ટિળક-અગરકરનું સ્વાગત કરવામાં પણ જોતિબા મોખરે હતા. છતાં, ટિળક-અગરકર-ચિપળૂણકર જેવા રૂઢિવાદીઓનું માનસપરિવર્તન થયું નહીં. ટિળક મહારાજની દેશભક્તિ અને અંગ્રેજો સામેની તેમની લડાયકવૃત્તિ પૂર્ણપણે આદરણીય હોવા છતાં, જ્ઞાતિભેદની બાબતમાં તેમનું વલણ ખેદ ઉપજાવે એવું હતું.

બાળગંગાધર 'લોકમાન્ય' તિલક / Lokmanya Tilak 

૧૯૨૦માં મૃત્યુ પામેલા ટિળકનો અંતકાળ જાહેર જીવનમાં ડૉ.આંબેડકરનો ઉદયકાળ હતો. તેમણે ૩૧ જાન્યુઆરી, ૧૯૨૦ના રોજ મરાઠી પાક્ષિક 'મૂકનાયક' શરૂ કર્યું અને તેની જાહેરખબર લોકમાન્ય ટિળકના 'કેસરી' છાપવા માટે મોકલી. એ વખતે ટિળક જીવીત હતા, પરંતુ 'કેસરી'માં ડૉ.આંબેડકરના 'મૂકનાયક'ની જાહેરાત ન છપાઇ. અલબત્ત, આ ઘટનાક્રમ અંગે થોડા મતાંતર છે. કેટલાક લખે છે કે 'કેસરી'એ મફત લખાણ છાપવાની ના પાડી હતી અને રૂપિયા લઇને જાહેરખબર છાપવાની તૈયારી બતાવી હતી.

ખુદ આંબેડકરે ૨૮ ઑક્ટોબર, ૧૯૫૪ના રોજ મુંબઇના પુરંદરે સ્ટેડિયમમાં એક પ્રવચનમાં કહ્યું હતું, 'એક વાર મેં 'કેસરી' માટે જાહરખબર મોકલી. સાથે રૂ.૩નો મનીઑર્ડર પણ મોકલ્યો. પણ જગ્યાના અભાવનું કારણ આપીને મારી જાહેરખબર પાછી મોકલી આપવામાં આવી. 'ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'ને ફોન કર્યો ત્યારે તેમને એવું લાગ્યું, જાણે બૂમબરાડા પાડતો કોઇ ભીખારી તેમની સાથે વાત કરતો હોય. તેમણે કશો પ્રતિભાવ ન આપ્યો.' ('થૉટ્‌સ એન્ડ ફિલોસોફી ઑફ ડૉ.બી.આર.આંબેડકર'- સી.ડી.નાઇક, પાનું ૧૩૩)

આમ, 'લોકમાન્ય' ટિળક અને ડૉ.આંબેડકર જ્ઞાતિસંઘર્ષના બે અંતિમો પર ઊભા હતા. ટિળકનું અવસાન થયું ત્યારે આંબેડકર લંડનમાં હતા. ટિળકના મૃત્યુનાં સાત વર્ષ પછી તેમણે લખ્યું હતું,  ''ટિળક જેવી એકાદ વ્યક્તિએ બહિષ્કૃત સમાજમાં જન્મ લીધો હોત અને બ્રિટિશ રાજના સમયમાં આવેલા પલટાનો લાભ લઇને તેમણે એવું જ ઊચ્ચ શિક્ષણ મેળવ્યું હોત તો, 'સ્વરાજ્ય મારો જન્મસિદ્ધ અધિકાર છે' એવી ગર્જના કરવાને બદલે તેમણે 'અસ્પૃશ્યતા નાબૂદ કરવી એ મારું કર્તવ્ય છે' એમ કહ્યું હોત.'' ('બહિષ્કૃત ભારત', ૨૯-૭-૧૯૨૭. સંદર્ભ : ધનંજય કીર)

સમાજ સમતા સંઘના સાથીદારો
સાથે ડો.આંબેડકર/ Dr.Ambedkar
ડૉ.આંબેડકરની આ કલ્પનામાં થોડો આશાવાદ અને થોડો ટિળકયુગ પછીના ગાંધીયુગ માટેનો નીચો અભિપ્રાય પણ કારણભૂત હશે. બાકી, 'લોકમાન્ય'ના પુત્ર શ્રીધરપંત ઉર્ફે બાપુરાવે ક્યાં બહિષ્કૃત સમાજમાં જન્મ લીધો હતો? તેમ છતાં, અસ્પૃશ્યતા સામેની ઝુંબેશમાં તે પૂરા જુસ્સાથી જોડાઇ ગયા હતા. લોકમાન્ય ટિળકે અંગ્રેજી રાજ સામે રાષ્ટ્રિય ભાવના જાગ્રત કરવા માટે ગણેશોત્સવની ઉજવણી શરૂ કરાવી. પરંતુ શ્રીધરપંત ટિળકે ૧૯૨૭ના ગણેશોત્સવમાં અસ્પૃશ્યોનો શ્રીકૃષ્ણ મેળાનો કાર્યક્રમ પૂણેના ગાયકવાડ વાડામાં રાખ્યો. અસ્પૃશ્યો નક્કી કરેલા સ્થળે પ્રવેશ્યા ત્યારે ભારે ધક્કામુક્કી થઇ હતી અને શ્રીધરપંતનો ઉગ્ર વિરોધ થયો હતો. પરંતુ તેમણે ધીરજ ન ખોઇ. તેમની આવી લાગણીના પ્રતિઘોષ તરીકે પૂણેના દલિતોએ એક સભા ભરીને શ્રીધરપંતનું સન્માન કર્યું હતું.

ડૉ.આંબેડકરે ૧૯૨૭માં 'સમાજ સમતા સંઘ'ની સ્થાપના કરી, તો બીજા જ વર્ષે શ્રીધરપંતે પોતાના ઘરમાં એ સંસ્થાની શાખા શરૂ કરી. તેની પહેલી બેઠકમાં ભાગ લેવા માટે પૂના ગયેલા ડૉ.આંબેડકરે ઊંડી લાગણી સાથે કહ્યું હતું, ''એમાં કોઇ શંકા નથી કે શ્રીધરપંતે (સમાજ સમતા) સંઘને સ્થાન આપીને અને સમાનતાના સિદ્ધાંતને ટેકો આપીને ભારે સાહસનું કામ કર્યું છે. જો આ ફરજ યોગ્ય રીતે અને સતત અદા થઇ શકશે, તો લોકો કહેશે કે તેમણે તેમના પિતા કરતાં હજાર ગણું વધારે મહત્ત્વનું કામ કર્યું છે. લોકમાન્ય ટિળકના ઘરમાં રહીને તેમની ટીકા કરવાનો મારો કોઇ ઇરાદો નથી. રાજકીય ક્ષેત્રમાં તેમણે દર્શાવેલી હિંમત વિશે સૌ સંમત થશે. પણ સામાજિક બાબતોમાં તેમણે પોતાની જવાબદારી અદા કરી નહીં, તેમાં કોઇ શંકા નથી.'

શ્રીધરપંત ઉર્ફે બાપુરાવ ટિળકની દુર્લભ તસવીર
Rare photo of Shridhar Pant aka Bapurao Tlak

ફેબ્રુઆરી, ૧૯૨૮માં શ્રીધરપંતનું પુસ્તક 'માઝા વ્યાસંગ' પ્રગટ થયું. તેની પ્રસ્તાવનામાં તેમણે લખ્યું હતું, 'હવે મારાથી વિશેષ સાહિત્યસેવા થશે એવી ઉમેદ રાખવી વ્યર્થ છે...બાકી રહેલું આયુષ્ય કઇ ઘડીએ પૂરું થઇ જશે...' તેમના જીવનમાં એક દુઃખ કોર્ટ-કચેરીનું હતું. 'કેસરી'નાં ટ્રસ્ટનો વિવાદ હતો. તેમના બે બનેવી (લોકમાન્ય ટિળકના જમાઇ) તેમની સામે પડ્યા હતા. એક તરફ સમાજસુધારાનો સંઘર્ષ અને બીજી તરફ કોર્ટકાર્યવાહીનો ત્રાસ, આ બન્નેથી કંટાળીને  આત્મહત્યા કરતાં પહેલાં તેમણે પૂનાના કલેક્ટરને લખ્યું હતું, 'હું વકીલો ને અદાલતોનો શિકાર થવા જન્મ્યો ન હતો. અદાલતોનું વાતાવરણ મને ગુંગળાવે છે. હું સ્વતંત્રતા ચાહું છું ને મારો આત્મા આઝાદી ઝંખે છે. આત્મહત્યાથી તે મુક્ત બની જશે.' (મૂળ લખાણ અંગ્રેજીમાં)

શુક્રવાર, તા.૨૫ મે, ૧૯૨૮ની સાંજે, ૩૨ વર્ષની વયે શ્રીધરપંતે ભાબુર્ડા (પૂના) પાસે ટ્રેન નીચે પડતું મૂકીને આત્મહત્યા કરી. એ જ દિવસે, આપઘાતના થોડા કલાક પહેલાં જીવનનો છેલ્લો પત્ર તેમણે ડૉ.આંબેડકરને લખ્યો. અત્યંત સુઘડ, મરોડદાર અક્ષરે મરાઠીમાં લખાયેલો એ પત્ર અહીં આપ્યો છે. (મૂળ લખાણ વાંચવા માટે ફોટો પર ક્લિક કરો)
આત્મહત્યા કરતાં પહેલાં શ્રીધરપંત ટિળકે ડો.આંબેડકરને
લખેલો છેલ્લો પત્ર : એક દુર્લભ દસ્તાવેજ
 Shridhar Pant Tilak's departing letter to Dr.Ambedkar 

પત્રમાં શ્રીધરપંતે 'ક.સા.ન.વિ.વિ.' ('કળવણે સાદર નમસ્કાર વિનંતી વિશેષ'- સાદર નમસ્કાર સાથે વિશેષ વિનંતી પાઠવું છું કે) એવી લાક્ષણિક મરાઠી શરૂઆત પછી લખ્યું હતું,

'આ પત્ર તમારા હાથમાં આવશે તે પહેલાં હું આ લોકને છોડી ગયો છું, એવી વાત મોટે ભાગે તમારા કાને પડી ગઇ હશે. તમારા સમાજ સમતા સંઘના કામને સરસ રીતે આગળ વધારવા માટે, વઘુ ને વઘુ પ્રમાણમાં સુશિક્ષિત અને સુધારાવાદી યુવાનોનું લક્ષ્ય આ ચળવળ તરફ જાય તે જરૂરી છે. તમે અહર્નિશ આ કામ કરો જ છો એનો મને સંતોષ છે. તમારા આ પ્રયત્નોને પરમેશ્વર યશ આપશે એવી પણ મને ખાતરી લાગે છે. મહારાષ્ટ્રના યુવાનો નિશ્ચય કરે તો  અસ્પૃશ્યતાનિવારણનો પ્રશ્ન પાંચ જ વર્ષમાં ઉકલી જાય. મારા બહિષ્કૃત બંઘુઓની તકલીફોની કથની ભગવાન શ્રીકૃષ્ણના ચરણોમાં પ્રત્યક્ષ મૂકવા માટે હું આગળ જાઉં છું. મિત્રમંડળને મારા સપ્રેમ નમસ્કાર. આપણી વચ્ચે આવો ભાવ રહે એવી જ વિનંતી.'

લોકમાન્ય ટિળકે માર્ચ, ૧૯૧૮માં મુંબઇમાં ભરાયેલી એક સભામાં અસ્પૃશ્યતાનો અંત આણવાની વાત કરી હતી, પરંતુ પોતે તેના અમલની પ્રતિજ્ઞા પર સહી કરી નહીં. એ જ પિતાનો પુત્ર પોતાના છેલ્લા પત્રમાં 'બહિષ્કૃત બંઘુઓની તકલીફોની કથની ભગવાન શ્રીકૃષ્ણનાં ચરણોમાં' રૂબરૂ મૂકવાની વાત ડૉ.આંબેડકરને લખે, એ ઘટના સમાનતાના સંઘર્ષમાં નાની પણ નોંધપાત્ર ગણવી રહી.

No comments: