Wednesday, April 17, 2013

Fwd: પરબની પ્રેરણા (સત્ય ઘટના) – અમૃત મોરારજી


મુંબઈમાં ઠંડા પીણાં અને મિનરલ વૉટરની કંપનીઓના માલિક વસંતલાલ શેઠ પોતાની વાનમાં નાના ગામડામાં આવી રહ્યા છે. એમના વતનના ફાર્મ હાઉસ 'વસંત વિહાર'માં આજે એક રાત રોકાવાના છે. શેઠ વર્ષમાં એકાદ વાર ગામમાં આવે. રાત્રીરોકાણ કરી સવારે ચાલ્યા જાય.

આજે ઉનાળાની કાળઝાળ ગરમી છે. વાનમાં બેઠેલા સૌને તરસ લાગી છે. 'વસંત વિહાર' હજુ લગભગ સાતેક કિલોમીટર દૂર છે. વાનમાં લાવવામાં આવેલ તમામ ઠંડાં પીણાં અને મિનરલ વૉટરની બાટલીઓ પીવાઈને પૂરી થઈ ગયેલ છે. પાણી વિના મિનિટ પણ રહી શકાય એમ નથી, પણ પાણી મળી શકે એમ નથી. માર્ગની બંને બાજુ બસ વગડો જ છે. ચારેક કિલોમીટર વાન આગળ વધી પછી અચાનક એક નાના સરખા પરબનાં દર્શન થતાં વાન ત્યાં ઊભી રાખી સૌએ પરબના મટકાનું ઠંડું પાણી પી તરસ ભાંગી. શેઠે રૂપિયા પાંચસોની નોટ પરબનું પાણી પાનાર વૃદ્ધા સામે ધરી.
'
ના, પૈસા ના જોઈએ. મૃત્યુ પામેલા મારા યુવાન પુત્રના આત્માની શાંતિ માટે ઉનાળામાં પરબ માંડી મફત પાણી પીવડાવું છું. ગરીબ વિધવા છું. ગામમાં પાણીની બહુ જ તંગી છે, પણ આ સિવાય હું કંઈ કરી શકું એમ નથી.' વૃદ્ધાએ પૈસા લેવાની ના પાડતાં કહ્યું.

શેઠ વાન આગળ હંકારી ગયા, પણ આ ઘટનાની એમના મન પર ઘણી જ અસર થઈ. એક વૃદ્ધ ગરીબ વિધવા લોકોને પરબ માંડી મફત પાણી પીવડાવે અને હું ઠંડાં પીણાં અને મિનરલ વૉટરની કંપનીઓનો કરોડપતિ શેઠ પોતાના ગામ માટે પાણીની કોઈ વ્યવસ્થા નથી કરી શકતો ? આ વિચારથી શેઠ વસંતલાલ દુઃખી થઈ ગયા. વસંતલાલે ગામમાં પાણીની યોજના કરવા મનમાં પાકો નિર્ણય કરી લીધો.

આજે મોડી રાત્રે બાર વાગ્યા પછી 'વસંત વિહાર' ફાર્મ હાઉસમાં ગામના સરપંચ રમણલાલ, યુવાન સામાજિક કાર્યકર અને શિક્ષક ભાવેશ સાથે શેઠ વસંતલાલની વાતચીત શરૂ થઈ.
'
આ ભાવેશ મુંબઈમાં ચાળીસ હજારની નોકરી છોડી ગામમાં જનસેવા અને ગામકલ્યાણનાં કામ કરવા આવ્યો છે. અહીં છ હજારની શિક્ષકની નોકરી કરે છે અને ગામમાં સામાજિક તેમ જ જનકલ્યાણનાં કામો કરે છે.' એમ સરપંચ રમણલાલે કહ્યું.
'
ધન્યવાદ ભાવેશને. ગામને અને દેશને આજે આવા જ યુવાનોની જરૂર છે.' શેઠ વસંતલાલે કહ્યું.
'
શેઠ, આ ગામને સૌથી મોટી તકલીફ પાણીની છે. ચાર કિલોમીટર દૂર આવેલી નદી સુધી ગામલોકોએ પાણી ભરવા જવું પડે છે. અમારી ઈચ્છા એ નદીમાંથી પાણી ગામમાં લાવવાની છે. તે માટે ચાર કિલોમીટર લાંબી પાઈપલાઈન નાખી મોટું જળાશય બનાવવું પડે. એક કરોડ દસ લાખનો ખર્ચ થવા સંભવ છે. સરકાર આગળ રજૂઆત કરી છે, પણ વાત આગળ વધતી નથી.' ભાવેશે ગામમાં પાણીની તકલીફની વાત કરતાં કહ્યું.
'
એમાં હવે સરકારી મદદની શી જરૂર, ભાવેશ ?' વસંતલાલે પ્રશ્ન કરતાં કહ્યું.
'
પણ શેઠ, આટલી મોટી રકમ લાવવી ક્યાંથી ?' ભાવેશે પ્રશ્ન કર્યો.

'જો ગામની એક વૃદ્ધ ગરીબ વિધવા ઉનાળામાં પરબ માંડી ગામલોકોને મફત પાણી પીવડાવતી હોય તો હું ઠંડા પીણાં અને મિનરલ વૉટરની કંપનીનો માલિક કરોડપતિ શેઠ મારા વતન-ગામમાં એક જળાશય ન બનાવી શકું ?' શેઠે વધુ એક પ્રશ્ન પૂછતાં કહ્યું.
'
તો શેઠ તમો અમારા ભગવાન.' સરપંચ રમણલાલે કહ્યું.
'
દાન જરૂરતમંદો પ્રત્યે દાનવીરનું એક સામાન્ય અને સામાજિક કર્તવ્ય છે. દાન કરવાથી માનવ ભગવાન સમાન ન ગણાય. ચાલો તમે શરૂ કરો જળાશય બનાવવાનું કામ. તમામ ખર્ચ અને બીજી મદદ મારા તરફથી મળશે. આ લો દસ કોરા ચેક. ભાવેશ અને રમણલાલ, મને તમારા પર પૂરો વિશ્વાસ છે.' શેઠે પોતાની સહીવાળા કોરા ચેકો આપતાં કહ્યું. અને માત્ર એક જ વર્ષમાં સૌના સહકારથી ગામમાં પાણીથી ભરપૂર જળાશય બની ગયું. ગરીબ-વૃદ્ધ વિધવાના પરબની પ્રેરણાથી બનેલા આ જળાશયનું નામ શેઠના કહેવાથી વૃદ્ધાના નામ પરથી 'ગંગા-જળાશય' રાખવામાં આવ્યું. ('જન્મભૂમિ પ્રવાસી'માંથી સાભાર.)


 

 No comments: