Thursday, January 19, 2012

Bharat ni Amar Atamao

ચિરંજીવીઓને ઓળખો


વિચાર-મંથન - ઘનશ્યામ ગોસ્વામી
એક ખૂબ સહજ અને સ્વાભાવિક પ્રશ્ન છે કે, શું મનુષ્ય અમર હોઈ શકે છે? પ્રશ્નનો જવાબ સરળ નથી, કારણ કે આજે પણ મનુષ્ય સીમાડાઓની પાર પહોંચી શક્યો નથી, જે તેને અમર બનાવી દે. હા, ક્યારેક ક્યારેક કેટલીક વિશેષ વ્યક્તિઓ માટે પ્રકૃતિએ પોતાના નિયમ જરૂર બદલ્યા છે. આવા સાત ચિરંજીવી વિશેષ મહામાનવ છે. સાત લોકો ચિરંજીવી એટલા માટે કહેવાયા, કારણ કે સાતે લોકો જીવન-મૃત્યુના ચક્રથી ઉપર ઊઠીને અમર થઈ ગયા. સાત ચિરંજીવીઓનાં નામ પરશુરામ, બલિ, વિભીષણ, હનુમાન, મહર્ષિ વેદવ્યાસ, કૃપાચાર્ય અને અશ્વત્થામા છે.
ભગવાન પરશુરામ
સાત ચિરંજીવીઓમાંથી કેટલાક વિશે ખોટી ધારણાઓ પણ પ્રચલિત છે. જેમ કે પરશુરામનું નામ સાંભળતાની સાથે આપણી આંખોની સામે એક એવા ઋષિની તસવીર તરવરે છે, જે ખૂબ ક્રોધી સ્વભાવના હતા, પરંતુ તેમણે અત્યાચારી અને અન્યાયી રાજાઓ વિરુદ્ધ શસ્ત્રો ઉગામ્યાં હતાં. એક આદર્શવાદી અને ન્યાયપ્રિય રાજા
તરીકે શ્રીરામને મળ્યા પછી તેઓ મહેન્દ્રગિરિ પર્વત પર તપસ્યા કરવા ચાલ્યા ગયા. પરશુરામ ભગવાનને વિષ્ણુના અંશાવતાર માનવામાં આવે છે. આજ્ઞાકારી પુત્રના સ્વરૂપમાં તેઓ અદ્વિતીય છે.
બલિ
રીતે રાજા બલિ દૈત્યરાજ હોવા છતાં પણ પોતાની દાનવીરતા માટે પ્રસિદ્ધ હતા. વિરોચન અને સુરુચિના પુત્ર બલિને અશના, વિંધ્યાવલી અને સુદેષ્ણા એમ ત્રણ પત્ની હતી. નર્મદાના ઉત્તર તટ પર ભૃગુકચ્છ નામના સ્થળે અશ્વમેધ યજ્ઞા કરનાર બલિએ પોતાના બાહુબળથી ત્રણે લોક જીતી લીધા હતા. વામનનો અવતાર ધારણ કરીને યજ્ઞામાં આવેલા ભગવાન વિષ્ણુને તેમણે પોતાના વચનની રક્ષા માટે, ગુરુ શુક્રાચાર્યની વિરુદ્ધ જઈને ત્રણ ભૂમિ દાનમાં આપી હતી.
વિભીષણ
વિદ્વાન વિભીષણને 'ઘર ફૂટે ઘર જાય' અથવા 'ઘર કા ભેદી લંકા ઢાયે' જેવા રૂઢિપ્રયોગો વખતે યાદ કરવામાં આવે છે, પરંતુ વિભીષણે પરિવારથી મોટું રાષ્ટ્ર હોય છે, આદર્શ લોકો સમક્ષ રજૂ કર્યો. તેમણે પોતાના દેશ લંકાના હિત માટે પોતાના ભાઈ રાવણને બહુ સમજાવ્યો કે તેઓ માતા સીતાને લઈને રામની શરણમાં ચાલ્યા જાય, પરંતુ રાવણે વિભીષણની એક વાત સાંભળી અને તેમનું અપમાન કરીને લંકામાંથી કાઢી મૂક્યા. વિભીષણે રાષ્ટ્ર હિતને ધ્યાનમાં રાખીને રાવણનો વિરોધ કર્યો તથા ભાઈના દ્રોહી હોવાનો કલંક પોતાને માથે લઈને માતૃભૂમિના હિતમાં કાર્ય કરતાં સત્યનો સાથ આપ્યો.
મહર્ષિ વેદવ્યાસ
મહર્ષિ વેદવ્યાસ પોતાનો રંગ કાળો હોવાને કારણે કૃષ્ણ કહેવાયા, તો બીજી તરફ યમુના નદી વચ્ચેના એક દ્વીપ પર જન્મ થવાને કારણે તેમને દ્વૈપાયન પણ કહેવામાં આવે છે. દ્વૈપાયન પોતાના અખૂટ જ્ઞાનની સાથે સાથે અઢાર પુરાણ, મહાભારત તથા વેદાંત સૂત્રની રચના કરવાને કારણે મહર્ષિ વેદવ્યાસ તરીકે સન્માનિત થયા. મહાભારતને પંચમ વેદ પણ કહેવામાં આવે છે. માતા સત્યવતીના કહેવા પર તેમણે વિચિત્રવીર્યના નિધન પછી તેમની પત્ની અંબિકા, અંબાલિકા અને દાસી સાથે નિયોગ દ્વારા ત્રણ પુત્રોની ઉત્પત્તિ કરી, જેને ધૃતરાષ્ટ્ર, પાંડુ અને વિદુર તરીકે લોકો ઓળખે છે.
કૃપાચાર્ય
કુરુ વંશના કુલગુરુ તરીકે વિખ્યાત કૃપાચાર્ય ઋષિ હોવાની સાથે સાથે એક મહાન યોદ્ધા પણ હતા. તેમણે કૌરવો તથા પાંડવોને અસ્ત્ર વિદ્યા શીખવી હતી. તેમની બહેન કૃપીના વિવાહ ગુરુ દ્રોણાચાર્ય સાથે થયાં હતાં. મહાભારતનું યુદ્ધ તેઓ કૌરવો તરફથી લડયા હતા. કૃપાચાર્ય પરિસ્થિતિ અનુસાર પોતાને ઢાળવા માટે જાણીતા છે, તેથી તેઓ કૌરવ પક્ષે યુદ્ધ લડવા છતાં, તેમના પરાજય પછી પાંડવોના કુલગુરુના પદ પર આસીન થયા.
અશ્વત્થામા
ગુરુ દ્રોણાચાર્ય અને ગૌતમીના પુત્ર અશ્વત્થામા પ્રચંડ યોદ્ધા હોવાની સાથે સાથે પોતાના અહંકાર માટે જાણીતા હતા. તેમણે મહાભારતનું યુદ્ધ કૌરવો તરફથી લડયું હતું. ઘટના યુદ્ધના છેલ્લા દિવસોની છે, જ્યારે અશ્વત્થામાએ રાતના અંધકારમાં યુદ્ધના નિયમોને તોડીને, પાંડવોની શિબિરમાં જઈને પાંડવો સૂતા છે એમ સમજી તેમના પાંચે પુત્રોનો વધ કર્યો હતો. અશ્વત્થામાના અપરાધ માટે ભગવાન શ્રીકૃષ્ણએ અશ્વત્થામાના મસ્તકમાંથી મણિ કાઢીને તેને તે અસહ્ય ઘા સાથે ભટકતાં ભટકતાં અમર રહેવાનો શાપ આપ્યો હતો.
હનુમાનજી
રુદ્રના અગિયારમાં અવતાર હનુમાનજીનો જન્મ ભગવાન શ્રીરામની સેવા કરવા માટે થયો હતો. સેવક અને સેવાનો જેવો આદર્શ હનુમાનજીએ પ્રસ્તુત કર્યો છે, તે દુર્લભ છે. એટલે તો ભગવાન શ્રીરામે તેમને કહ્યું હતું, 'તુમ મમ પ્રિય ભરત સમ ભાઈ.' તેમના એકનિષ્ઠ સમર્પણનું ફળ છે કે જેથી એક સેવક, જે સૌના સંકટમોચક છે. તેઓ પોતાના સ્વામીની સાથે સમગ્ર સંસારમાં પુજાય છે.


No comments: