માતૃભાષા ગુજરાતી માટે આટલું કરીએ !
- પ્રવીણ ક. લહેરી
ગુજરાત સરકારે સર્વાનુમતે શાળામાં ગુજરાતી ભાષા ફરજીયાત વિષય તરીકે ભણાવાય તેવો કાયદો કર્યો. આ ઘડીએ પ્રશ્ન પૂછવાનું મન થાય, ‘‘કાયદો તો થયો, હવે આપણે કરવાનું શું ?’’ લોક ભાગીદારી વિના ભાષાને જીવંત રાખી તેનું ખેડાણ કરી ઉત્તમ સંસ્કારો અને મુલ્યોનું પોષણ કરવું તે સમર્પણ, પરિશ્રમ, અને સહયોગ માંગે છે. નરસિંહ, મીરાં, દયારામ, હેમચંદ્રાચાર્ય, દલપત, નર્મદ, ગોવર્ધનરામ, ઉમાશંકર, સુંદરમ્, પન્નાલાલ, રાજેન્દ્ર શાહ, રાજેન્દ્ર શુકલ, રમેશ પારેખ, મનોજ ખંડેરીયા, શુન્ય પાલનપુરી, મરીઝ, ગની દહીંવાલા ભોળાભાઈ પટેલ, રઘુવીર ચોધરી, જીવરામ જોષી, ધીરુબહેન પટેલ, અવિનાશ વ્યાસ, જ્યોતિન્દ્ર દવે, વિનોદ ભટ્ટ, ઝવેરચંદ મેઘાણી, કવિકાગ, કવિ દાદ, કનૈયાલાલ મુન્શી, ધૂમકેતુ, ર. વા. દેસાઈ, માધવ રમાનુજ, સિંતાશુભાઈ, તુષાર શુકલ, ધીરુભાઈ ઠાકર, અને ડૉ. કુમારપાળ દેસાઈ જેવા અગણિત સાહિત્યકારોએ ગુજરાતી ભાષાનું ઘડતર કર્યું છે. ગાંધી, સરદાર, દયાનંદ, વિક્રમ સારાભાઈ, મોરારજી દેસાઈ, નરેન્દ્રભાઈ મોદી સહિત અનેક રાષ્ટ્રીય મહાનુભાવોના મુખે અને કલમથી જે ભાષાનો મહિમા વધ્યો છે તેની ઉપેક્ષા કરવાની ભૂલ કોઠાસુઝવાળો ગુજરાતી શું કામ કરે ? આપણા પૂર્વજોએ જે અમૂલ્ય વારસો આપ્યો છે તેની જાળવણી કરવામાં વર્તમાન પેઢી પણ સક્રિય છે. ઈન્ટરનેટના યુગમાં ટહૂકો હોય કે વિશ્વકોષ, ગુજરાતી લેક્સિકોન (શબ્દકોષો) હોય કે ગુજરાતી વર્તમાનપત્રો અને સામયિકોની ડિજીટલ આવૃત્તિ હોય. ગુજરાતી ભાષાનો ઉપયોગ વધી રહ્યો છે. ગુજરાત સમાચારના શ્રી અમમ શાહ અને બિનોતીએ ગુજરાતી મ્યુઝિક જલસાની એપ દ્વારા ૪૦ હજારથી વધારે ગુજરાતી ગીતો એપ્લીકેશન થકી ઉપલબ્ધ કરાવ્યા છે. અનેક લોકો ભાષાના પ્રચાર-પ્રસાર માટે પ્રતિબદ્ધ રીતે કામ કરી રહ્યા છે. માતૃભાષા અભિયાન, ગુજરાતી સાહિત્ય અકાદમી, ગુજરાતી લેક્સિકોના ગુજરાત વિશ્વકોષ વિગેરે દ્વારા ગુજરાતીની અનોખી સેવા થઈ રહી છે. હવે એ ઘડી આવી છે કે ગુજરાતીના તમામ હિતચિંતકો એક મંચ પર કોઈ પૂર્વગ્રહ કે દુરાગ્રહ વિના આવે. સમાજ અને સરકારમાં આપણી માતૃભાષા માટે અનહદ આદર છે. તેના વિકાસ માટે પ્રતિબદ્ધતા છે ત્યારે આપણે સક્રિય થઈને એક સૂરમાં ગાઈએ તે રંગથકી પણ અધિક સરસ રંગ થશે સત્વરે શુભ શુકન દીસે મધ્યાહૃ શોભશે. વીતી ગઈ છે રાત, જન ઘૂમે નર્મદા સાથ. ‘‘જય જય ગરવી ગુજરાત’’ આપણી ભાવનાઓ સાકાર કરવી હોય તો આપણે વિવિધ ક્ષેત્રમાં કરવાપાત્ર કામગીરીની કાર્યસૂચિ તૈયાર કરવી જોઈએ. મેં મારા અનુભવ અને અપેક્ષા અનુસાર આ નમ્ર પ્રયત્ન કર્યો છે.
૧. શિક્ષણ ક્ષેત્રે :
ગુજરાતી ભાષાના ભવિષ્યને નુકશાન કરવા માટે શિક્ષણને કમાણીનું સાધન બનાવનારા અને સહેલાઈથી દેખાદેખીથી અંગ્રેજીની માયાજાળમાં ફસાયેલા વાલીઓ મુખ્યત્વે જવાબદાર છે. અંગ્રેજી માધ્યમે અનેક તેજસ્વી વિદ્યાર્થીઓની કારકિર્દી કુંઠિત કરી દીધી તેનું સંશોધન કરી તેના તથ્યો પ્રજા સમક્ષ રજૂ કરવાની જરૂરીયાત છે. ગાડરીયા પ્રવાહ જેમ વાલીઓના અંગ્રેજી માધ્યમના મોહને કારણે ભાવિ પેઢીના બાળકો ગુજરાતી ભાષાથી વંચિત રહ્યા છે. લગભગ બે પેઢીના બાળકો ગુજરાતી ભાષાથી વંચિત રહ્યા છે. લગભગ બે પેઢીના ૨૦-૨૫ લાખ ભાષાકીય રીતે વર્ણશંકર બનેલા ભાઈ-બહેનોને માતૃભાષા શીખવી તેમના વ્યક્તિત્વને ખીલવામાં મદદરૂપ યોજના કરવી જરૂરી છે. કાયદા મુજબ ગુજરાતી ફરજીયાત વિષય બન્યો પરંતુ તેનો અભ્યાસક્રમ તેના પાઠ્ય પુસ્તકો, તેમની શીખવવાની પદ્ધતિ અને પરીક્ષાની વિગતો ખૂબ કાળજીપૂર્વક તૈયાર કરવી જરૂરી છે. અન્યથા, ગુજરાતીની પરીક્ષા પસાર કરનારને ભાષાનું અધકચરું જ્ઞાન પણ નહીં હોય. અગાઉ ટાઈપીંગના વિષયમાં અને હાલ શાળાકક્ષાએ કોમ્પ્યુટર વિષયમાં કોઈ નાપાસ થાય તે પરીક્ષકથી જોયું નથી જાતું. ખૂબ ઉદાર ભાવે સૌને પાસ કરવાની પવિત્ર ફરજ સૌ પરીક્ષકો બજાવે છે ! ગુજરાતી વિષયની હાલત શાળાઓ આવી ન કરે તેવી પ્રભુપ્રાર્થના કરીએ. શિક્ષણમાં હાલ જે ગુજરાતી ભાષા, સાહિત્ય, વ્યાકરણ શીખવાડાય છે તેમાં ધરમૂળથી ફેરફારો કરવા જરૂરી છે. જોડણીની ભૂલો ઉપરાંતની અશુદ્ધિઓ, છાપકામમાં પારાવાર ભૂલો, પાઠ્યપુસ્તકની સામગ્રી, વ્યાકરણ શીખવવાની પદ્ધતિ જેવી બાબતોમાં સવિશેષ કાળજી કરવી જરૂરી છે. જોડણી અંગેના વિવાદમાં બન્ને પક્ષે આંશિક સત્ય છે. ગુજરાત વિદ્યાપીઠના જોડણીના નિયમો ઠોકી બેસાડવાથી ગુજરાતી લેખનની પ્રક્રિયા જટીલ બની છે. સમયને અનુરૂપ અમલીકરણ જરૂરી છે. આપણી ભાષા ફોનેટીક - જેવું બોલાય તેવું લખાયની કક્ષામાં છે ત્યારે અંગ્રેજી શબ્દમાં તમામ અક્ષરો હૃસ્વમાં અને છેલ્લો અક્ષર દીર્ઘમાં તે નિયમનો તર્ક કોઈ આપી શકે તો સારું. સંસ્કૃતના નાળસબંધના હવાલા સાથે ‘તત્સમ’ ‘તદ્દભવ’ શબ્દોનો અર્થ કેટલા ભણેલાં ગુજરાતી જાણે છે ? ગુજરાતની લોકબોલીના શબ્દો અને ઉચ્ચારો અલગ અલગ હોવાથી ભાષા પર તેનો પ્રભાવ પડે છે. પન્નાલાલ પટેલ કે રમેશ પારેખની કૃતિઓમાંથી સ્થાનિક શબ્દોની સુવાસ કાઢી નાખીએ તો કેવું લાગે ?
૨. આપણે સૌ ગુજરાતી પ્રજાએ આ સંકલ્પો કરવા જરૂરી છે.
(૧) મારી સાથે વાતચીત કરનાર કે પત્રવ્યવહાર કરનાર ગુજરાતી જાણતા હશે તો સંવાદનું માધ્યમ ગુજરાતી જ રહેશે.
(૨) ગુજરાતી બોલવા કે લખવામાં અંગ્રેજી શબ્દોનો બિનજરૂરી ઉપયોગ નિવારવામાં આવશે. ગુજલિશ કે હિંગલિશ જેવી મિશ્રભાષાનો ઉપયોગ ન કરતાં અંગ્રેજી શબ્દોના ગુજરાતી પર્યાય શોધીને (રોજીંદા વપરાશના અનેક શબ્દોનો ઉપયોગ ખાસ કરીને શહેરી વિસ્તારમાં વિસરાય ગયો છે) કરવામાં આવશે.
(૩) જાહેર સ્થળોએ માહિતીનો, જાહેરાત હોય કે દુકાનનું પાટીયું, દરેકમાં ગુજરાતી શબ્દોનો ઉપયોગ કરવામાં આવશે.
(૪) દરેક ગુજરાતી ભાષી દરરોજ ઓછામાં ઓછું એક કલાક તેને મનપસંદ ગુજરાતી લખાણ વાંચવાની ટેવ પાડશે અને ઈન્ટરનેટ પરની ગુજરાતીમાં આપેલી સામગ્રીનો ઉપયોગ અગ્રતાના ધોરણે કરવામાં આવશે.
(૫) ઈન્ટરનેટ પર ગુજરાતીમાં સંદેશા લખી શકાય તેવી વ્યવસ્થાને પૂરો ઉપયોગ કરવામાં આવશે.
(૬) પરિવારોમાં ગુજરાતી ભાષાનો વિનયપૂર્વક ઉપયોગ કરી સંવાદના વાતાવરણનું નિર્માણ થાય તેની સૌ કાળજી કરશે.
૩. સરકાર દ્વારા :
(૧) સોથી પ્રથમ જાહેરાત દ્વારા યોગ્ય લાયકાત અનુભવ ધરાવતી વ્યક્તિને ભાષા નિયામક તરીકે નિમણૂંક આપી તેમની ફરજો અને અધિકારો અંગે સ્પષ્ટતા સાથે ઠરાવ બહાર પાડવામાં આવશે તેમનું કાર્યક્ષેત્ર પણ વિસ્તૃત રાખી માતૃભાષાના વ્યાપક ઉપયોગ અને સર્વાંગી વિકાસની જવાબદારી તેમને સુપ્રત કરવામાં આવશે.
(૨) તમામ પુસ્તકાલયોમાં શાળાઓમાં ગુજરાતી સરળ રીતે શીખવા માટેના પુસ્તકો, સાહિત્યના રસપ્રદ પુસ્તકો પરિચય પુસ્તિકાઓ, વિશ્વકોષના ગ્રંથો, બાળકોશ, વિજ્ઞાન કોષ ઉપલબ્ધ કરાવવામાં આવશે.
(૩) ન્યાયતંત્ર સહિત તમામ વહીવટમાં ગુજરાતીના ઉપયોગ માટે જરૂર મુજબ દુભાષિયા કે તરજૂમો કરી શકે તેવી વ્યક્તિઓની નિમણૂંક કરાશે.
(૪) કાયદાના ઘડતર કે અર્થ કરવામાં અંગ્રેજીની અગ્રતા કરી તમામ કાયદાઓની ગુજરાતી પ્રત જ અધિકૃત ગણી તેના આધારે કાયદાકીય અર્થઘટન કરવામાં આવશે. જેને ગુજરાતીના શબ્દની તાકાતમાં ભરોસો ન હોય તેવા ગુજરાતીને શું કહેવું ? ઢાંકણી પાણી લઈને ડૂબી મરવા જેવી શરમ આવવી જોઈએ.
(૫) શાળાના શિક્ષકોને ગુજરાતી ભાષા સરળ અને રસપ્રદ રીતે શીખવી શકે તે માટે ખાસ તાલીમ આપવી જોઈએ.
અંતમાં ગુજરાતી સાહિત્ય પરિષદ અને ગુજરાતી સાહિત્ય અકાદમી વચ્ચેની મનઘડત તકરારને વીસરી જઈને માતૃભાષા માટે શું કરી શકીએ તે વિચારને ધ્રુવતારક ગણી કાર્યની દિશા નક્કી કરી ભાષાના સેવકની ભૂમિકા અદા કરવી જોઈએ.